ફાઇનલ મેં હાર જા: ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શું નવું ચૉકર્સ બની રહ્યું છે?

25 June, 2021 10:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લાં સાત વર્ષમાં ટીમ ઇન્ડિયા છઠ્ઠી વખત કિનારે આવીને ડૂબી જવા જેવો ઘાટ સર્જાયો

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રેઝન્ટેશન સૅરેમની દરમ્યાન નિરાશ ચહેરા સાથે કૅપ્ટન વિરાટ કોહલી (તસવી: એ.એફ.પી.)

બુધવારે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે પરાજય બાદ ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લાં ૭ વર્ષ દરમ્યાન સેમી ફાઇનલ અથવા તો ફાઇનલમાં હાર્યા બાદ નવું ચૉકર્સ એટલે કે કિનારા પર આવીને ડૂબી જનારી ટીમ તરીકે ઓળખાવા માંડી છે. ગયા દાયકાની શરૂઆત ભારત માટે ઘણી સારી રહી. જ્યારે ૨૦૧૧માં વર્લ્ડ કપ, તો ૨૦૧૩માં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું. જોકે ત્યાર બાદ શ્રીલંકા સામે ૨૦૧૪ની ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ, ઑસ્ટ્રેલિયા સામે ૨૦૧૫માં ૫૦ ઓવરના વર્લ્ડ કપની સેમી ફાઇનલ, ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ, ૨૦૧૭માં પાકિસ્તાન સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, તો ૨૦૧૯માં ન્યુ ઝીલૅન્ડ સામે ૫૦ ઓવરની વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં હાર્યું હતું. બુધવારે બધાને એવું લાગતું હતું કે મૅચ ડ્રૉ જશે, પણ ભારત હારી ગયું.

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર મદન લાલે કહ્યું કે ફાઇનલ ડ્રૉ જવી જોઈતી હતી. આવી મોટી ટુર્નામેન્ટ તમે કોહલી કે રોહિતના પ્રદર્શનના આધારે જીતી ન શકો. આટલા અનુભવી ખેલાડીઓ હોવા છતાં સારુ પ્રદર્શન કરી ન શક્યા.’ ટેસ્ટ ચૅમ્પિયનશિપ દરમ્યાન ભારત વિદેશમાં ત્રણ સિરીઝ જીત્યું હતું. ૨૦૧૭ અને ૨૦૧૯ની મૅચોમાં ટીમનું ખરાબ પ્રદર્શન હતું. જ્યારે ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં તો હારે એવી શક્યતા જ નહોતી. ભારતની હાલત પણ સાઉથ આફ્રિકા જેવી થઈ ગઈ છે, જે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન તો સારું પ્રદર્શન કરે પરંતુ છેલ્લે પાણીમાં બેસી જાય. 

sports sports news cricket news india