સાઉથ આફ્રિકાએ ૬ વિકેટ ગુમાવીને બનાવ્યા ૨૪૭ રન

23 November, 2025 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટનો પહેલો દિવસ બન્ને ટીમ માટે સમાન રહ્યો

સાથી-પ્લેયર્સ સાથે વિકેટની ઉજવણી કરતો સ્પિનર કુલદીપ યાદવ. તેણે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી, યંગ બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સ અને કૅપ્ટન ટેમ્બા બવુમાએ ત્રીજી વિકેટ માટે ૮૪ રનની પાર્ટનરશિપ કરી હતી.

ગુવાહાટીના સ્ટેડિયમની પહેલી ટેસ્ટ-મૅચમાં પહેલો દિવસ બન્ને ટીમ માટે સમાન રહ્યો હતો. કલકત્તા ટેસ્ટ-મૅચ જીતીને બે મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવનાર સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મહેમાન ટીમે ૮૧.૫ ઓવરમાં એક પણ ૫૦+ સ્કોર વગર ૬ વિકેટ ગુમાવીને ૨૪૭ રન કર્યા હતા. ભારતના ૩૮મા ટેસ્ટ-કૅપ્ટન રિષભ પંતના નેતૃત્વમાં ભારતીય બોલર્સે રનની ગતિ પર કાબૂ મેળવવામાં એકંદરે સફળતા મેળવી હતી. 

સાઉથ આફ્રિકાના ઓપનર એઇડન માર્કરમે ૮૧ બૉલમાં ૩૮ રન અને રાયન રિકલ્ટને ૮૨ બૉલમાં ૩૫ રન કરી ટીમને એકંદરે સારી શરૂઆત અપાવી હતી. યંગ બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સ અને કૅપ્ટન ટેમ્બા બવુમાએ ત્રીજી વિકેટ માટે ૧૮૨ બૉલમાં ૮૪ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૧૫૦+ કર્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ ૧૧૨ બૉલમાં ૪ ફોર અને બે સિક્સરના આધારે ૪૯ રન ફટકારી એક રનથી ફિફ્ટી ચૂક્યો હતો, જ્યારે ટેમ્બા બવુમાએ ૯૨ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૧ રન કર્યા હતા. 

યંગ બૅટર ટોની ડી ઝોર્ઝી ૫૯ બૉલમાં ૩ ફોર અને એક સિક્સરની મદદથી ૨૮ રનની ઇનિંગ્સ રમી અંતિમ સેશનમાં ભારતીય બોલર્સ માટે માથાનો દુખાવો બન્યો હતો. પચીસ રન કરનાર સેનુરન મુથુસામી અને એક રને રમી રહેલો કાઇલ વરેન આજે બીજા દિવસે ટીમની ઇનિંગ્સને આગળ વધારશે.

ભારત તરફથી સ્પિનર કુલદીપ યાદવે ૧૭ ઓવરમાં ૪૮ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. તેના સિવાય અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ એક-એક વિકેટ મળી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદર અને મીડિયમ ફાસ્ટ બોલર નીતીશ કુમાર રેડ્ડી પહેલા દિવસે વિકેટલેસ રહ્યા હતા.

બીજી ટેસ્ટ-મૅચ માટે મહેમાને એક અને યજમાને બે ફેરફાર કર્યા
કલકત્તા ટેસ્ટ-મૅચની પોતાની પ્લેઇંગ ઇલેવનમાંથી ભારતે બે અને સાઉથ આફ્રિકાએ એક ફેરફાર કર્યો છે. રેગ્યુલર કૅપ્ટન શુભમન ગિલ અને અક્ષર પટેલના સ્થાને અનુક્રમે સાઈ સુદર્શન તથા નીતીશ કુમાર રેડ્ડીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકાએ ઑલરાઉન્ડર કૉર્બિન બૉશના સ્થાને સ્પિનર સેનુરન મુથુસામીને રમવાની તક આપી છે. 

ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચની ટ્રિપલ સેન્ચુરી
૩૦મા ટેસ્ટ-વેન્યુ પર પહેલી મૅચ આયોજિત થતાંની સાથે ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચની ટ્રિપલ સેન્ચુરી થઈ હતી. આંકડાઓ અનુસાર ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બાદ ભારત આ કમાલ કરનાર ત્રીજો દેશ છે. ઇંગ્લૅન્ડમાં ૫૬૩ અને ઑસ્ટ્રેલિયામાં ૪૫૧ ટેસ્ટ-મૅચ રમાઈ છે. ભારતમાં સૌથી પહેલી ટેસ્ટ-મૅચ ૧૯૩૩માં ઇંગ્લૅન્ડ-ભારતની ટીમ વચ્ચે મુંબઈમાં રમાઈ હતી. ૧૯૭૯માં પાકિસ્તાન સામે બૅન્ગલોરમાં ૧૦૦મી અને ૨૦૦૫માં પાકિસ્તાન સામે જ કલકત્તામાં ૨૦૦મી ટેસ્ટ-મૅચ રમાઈ હતી. દેશમાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં સૌથી વધુ ૪૩ ટેસ્ટ-મૅચ રમાઈ છે.

દેશનું ૩૦મું ટેસ્ટ-વેન્યુ​ બન્યું ગુવાહાટી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન આસામનું ગુવાહાટી ભારતનું ૩૦મું ટેસ્ટ-વેન્યુ બન્યું હતું. આસામના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન સચિવ દેવજિત સૈકિયાએ મૅચ પહેલાં બન્ને કૅપ્ટન્સ પાસે બારસાપારા સ્ટેડિયમના ચિત્ર પર ઑટોગ્રાફ લીધા હતા.  દેવજિત સૈકિયાએ ભારતીય કૅપ્ટન રિષભ પંત અને સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાને ગુવાહાટીની પહેલી ટેસ્ટ-મૅચની યાદગીરીરૂપે ગોલ્ડપ્લેટેડ ટૉસ કૉઇન પણ ગિફ્ટ કર્યો હતો. ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ મિથુન મન્હાસ સાથે દેવજિત સૈકિયાએ બેલ વગાડીને ટેસ્ટ-મૅચની શરૂઆત કરાવી હતી.

sports news sports test cricket south africa kolkata cricket news guwahati