ઘરઆંગણે વન-ડે સિરીઝમાં પહેલી વખત કિવીઓ સામે પરાસ્ત થઈ ટીમ ઇન્ડિયા

19 January, 2026 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી ન્યુ ઝીલૅન્ડે આપ્યો હતો ૩૩૮ રનનો ટાર્ગેટ, ભારત ૨૯૬ રને આ‌ૅલઆઉટ થતાં ૪૧ રને મળી હાર : વિરાટ કોહલીની ૫૪મી વન-ડે સદી છતાં ઇન્દોરમાં પહેલી વખત હાર્યું ભારત

ઇન્દોરમાં ગઈ કાલે ટીમ ઇન્ડિયાને ભારતની ધરતી પર પહેલી જ વાર વન-ડે સિરીઝમાં ૨-૧થી હરાવ્યા બાદ ટ્રોફી સાથે ખૂબ જ ખુશખુશાલ ન્યુ ઝીલૅન્ડની ટીમ.

ઇન્દોરમાં ભારતીય ટીમ સામે રમાયેલી ત્રીજી વન-ડે મૅચ ૪૧ રને જીતીને ન્યુ ઝીલૅન્ડે પહેલી વખત ભારતની ધરતી પર ૨-૧થી વન-ડે સિરીઝ જીતી હતી. ૧૯૮૮થી હમણાં સુધી ભારતમાં રમેલી ૮ વન-ડે સિરીઝમાં કિવીઓની આ પહેલી સિરીઝ-જીત છે. ઇન્દોરમાં સતત ૭ વન-ડે મૅચ જીતવાનો રેકૉર્ડ પણ આ હાર સાથે અટક્યો હતો. ન્યુ ઝીલૅન્ડે ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી ૩૩૭/૮નો સ્કોર કર્યો હતો. વિરાટ કોહલીની સદી, નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાની શાનદાર ફિફ્ટીથી ભારતને રન-ચેઝમાં મદદ મળી, પરંતુ ટીમ ૪૬ ઓવરમાં ૨૯૬ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. 
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમે ૧.૧ ઓવરમાં પાંચ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા ક્રમે રમીને વિલ યંગે ૪૧ બૉલમાં ૩૦ રન કરીને ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. ચોથી વિકેટ માટે ડૅરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સે ૨૧૯ રનની રેકૉર્ડ-ભાગીદારી કરી હતી. કિવીઓ દ્વારા ભારતીય ટીમ સામે ભારતમાં વન-ડેમાં કરવામાં આવેલી આ સૌથી મોટી પાર્ટનરશિપ હતી. 
ચોથા ક્રમે રમીને ડૅરિલ મિચલે ૧૩૧ બૉલમાં ૧૫ ફોર અને ૩ સિક્સના આધારે ૧૩૭ રન ફટકાર્યા હતા. પાંચમા ક્રમે રમીને ગ્લેન ફિલિપ્સે ૮૮ બૉલમાં ૯ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૦૬ રન કરીને કરીઅરની બીજી વન-ડે સદી ફટકારી હતી. ભારત સામે પહેલી જ વખત વન-ડેની એક ઇનિંગ્સમાં બે કિવી બૅટર્સે એકસાથે સદી ફટકારી હતી.
પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયેલા પેસ બોલર અર્શદીપ સિંહે ૧૦ ઓવરમાં ૬૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. પેસ બોલર હર્ષિત રાણાએ ૧૦ ઓવરમાં ૮૪ રન આપીને ૩ સફળતા મેળવી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને પણ ૧-૧ વિકેટ મળી હતી. 
રન-ચેઝ દરમ્યાન ભારતે ૧૨.૫ ઓવરમાં ૭૧ રનના સ્કોર પર રોહિત શર્મા (૧૧ રન), કૅપ્ટન શુભમન ગિલ (૨૩ રન), શ્રેયસ ઐયર (૩ રન) અને કે. એલ. રાહુલ (૧ રન) જેવા સ્ટાર પ્લેયર્સની વિકેટ ગુમાવી હતી. ત્રીજા ક્રમે રમી વિરાટ કોહલીએ ૧૦૮ બૉલમાં ૧૦ ફોર અને ૩ સિક્સની મદદથી ૧૨૪ રન કરીને ટીમની જીતની આશા છેલ્લે સુધી જીવંત રાખી હતી.
છઠ્ઠા ક્રમે રમીને નીતીશ કુમાર રેડ્ડીએ ૫૭ બૉલમાં બે ફોર અને બે સિક્સના આધારે ૫૩ રન કરી ટીમની ઇનિંગ્સને આગળ વધારવામાં મદદ કરી હતી. આઠમા ક્રમે રમીને હર્ષિત રાણાએ ૪૩ બૉલમાં ૪ ફોર અને ૪ સિક્સ ફટકારીને બાવન રન કર્યા હતા. ૫૦-૫૦ ઓવરની ફૉર્મેટમાં તેણે પહેલી વખત ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાએ ૧૯ રનની અંદર છેલ્લી ૪ વિકેટ ગુમાવી હોવાથી મૅચ અને સિરીઝ જીતતાં ચૂકી ગઈ હતી. 


શતકવીર ડૅરિલ મિચલ આઉટ થયો ત્યારે રમૂજી અંદાજમાં તેને ધક્કો મારીને બહાર કરતો જોવા મળ્યો હતો વિરાટ કોહલી.

ભારત સામે ૩ વન-ડેની સિરીઝમાં ૩૫૦ રન ફટકારનાર પહેલો બૅટર બન્યો ડૅરિલ મિચલ

૩૪ વર્ષના ડૅરિલ મિચલે ગઈ કાલે ૧૩૭ રન ફટકારીને સતત બીજી અને ઓવરઑલ નવમી વન-ડે સદી ફટકારી હતી. તેણે વર્તમાન ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં ૩૫૨ રન ફટકાર્યા હતા. ભારત સામે ૩ વન-ડેની સિરીઝમાં ૩૫૦ રન ફટકારનાર તે પહેલો બૅટર બન્યો છે. અગાઉ ડિસેમ્બર ૨૦૧૩માં સાઉથ આફ્રિકાના ક્લિન્ટન ડી કૉકે ભારત સામે ૩ વન-ડે મૅચની સિરીઝમાં ૩૪૨ રન કર્યા હતા. 
૩૫૨ રન એ કિવી બૅટર દ્વારા ૩ વન-ડેની સિરીઝમાં કરવામાં આવેલો હાઇએસ્ટ સ્કોર છે. ત્રણ વન-ડે મૅચની દ્વિપક્ષીય સિરીઝમાં હાઇએસ્ટ સ્કોરના મામલે ડૅરિલ મિચલ બીજા ક્રમે છે. ભારતનો શુભમન ગિલ ૨૦૨૩માં ન્યુ ઝીલૅન્ડ સામે અને બાબર આઝમ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૬૦-૩૬૦ રન કરીને આ લિસ્ટમાં સંયુક્ત રીતે પહેલા‍ ક્રમે છે.

૮૫મી સેન્ચુરી સાથે ઘણા મોટા રેકૉર્ડ તોડ્યા વિરાટ કોહલીએ

ગઈ કાલે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ફટકારેલી સદી વિરાટ કોહલીની ૮૫મી ઇન્ટરનૅશનલ સદી, ૫૪મી વન-ડે સદી અને ભારતમાં ફટકારેલી ૪૧મી સદી હતી. આ સદી સાથે તેણે વિશ્વમાં સૌથી વધુ ૩૫ વેન્યુ પર સદી ફટકારી સચિન તેન્ડુલકરના ૩૪ વેન્યુનો રેકૉર્ડ તોડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણેય ફૉર્મેટ મળીને ૧૦ સદી ફટકારનાર તે પહેલો બૅટર બન્યો છે. 
વન-ડે ફૉર્મેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ ૧૨,૬૫૫ રન કરવાનો ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગનો રેકૉર્ડ પણ વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો છે. રિકી પૉન્ટિંગ આ પહેલાં કિવીઓ સામે વન-ડેમાં સૌથી વધુ ૬ સદી ફટકારનાર બૅટર હતો. વિરાટ કોહલીએ ન્યુ ઝીલૅન્ડ સામે સાતમી વન-ડે સદી ફટકારી આ સિદ્ધિ પણ પોતાને નામે કરી હતી. 

virat kohli new zealand indian cricket team cricket news rohit sharma