ભવિષ્યમાં ધીમી અને ટર્નિંગ પિચ માટે અલગ પ્લેયરોને સિલેક્ટ કરી શકે છે ભારતીય ટીમ

09 August, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ વન-ડેમાં સ્પિનર્સ સામે ૨૭ વિકેટ ગુમાવનાર ભારતીય ટીમનાે કૅપ્ટન રોહિત શર્મા કહે છે...

રોહિત શર્મા

શ્રીલંકાએ ત્રીજી અને અંતિમ વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચમાં ભારતને ૧૧૦ રને હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી જીત મેળવી હતી. છેલ્લાં ૨૭ વર્ષમાં આ પ્રથમ વાર છે કે શ્રીલંકાની ટીમ ભારતીય ટીમને વન-ડે સિરીઝમાં હરાવવામાં સફળ રહી છે જેમાં સૌથી મોટો ફાળો શ્રીલંકન સ્પિનર્સનો રહ્યો હતો. કોલંબોની પિચનો ફાયદો ઉઠાવીને શ્રીલંકાના સ્પિનર્સે આ સિરીઝમાં ભારતની ૨૭ વિકેટ લીધી હતી.

મૅચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે અમારા તરફથી પ્રયત્નોની કોઈ કમી રહી હોય. તમે જોયું જ હશે કે કેટલાક ખેલાડીઓ રિવર્સ સ્વીપ અને પેડલ સ્વીપ રમતા હતા. એવું નથી કે અમે અમારા તરફથી પ્રયાસ કર્યા નથી. આ બૅટ્સમેનોમાં આવો સ્વભાવ નથી. અમારે ખેલાડીઓને જણાવવું પડશે કે તેમની પાસેથી શું જોઈએ છે અને જો અમારે ધીમી અને ટર્નિંગ પિચ માટે અલગ ખેલાડીઓની પસંદગી કરવી હોય તો કમનસીબે અમે એ કરી શકીએ છીએ. અમે એવી ટીમ પણ તૈયાર કરવાનો પ્રયાસ કરીશું જે દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે.’

ભારતને મળ્યો ૪૩ દિવસનો બ્રેક શ્રીલંકા સામેની સિરીઝ બાદ હવે ભારતીય ટીમ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં બંગલાદેશની ટીમ સામે ભારતમાં જ ટેસ્ટ અને T20 સિરીઝ રમશે. ૧૯ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ અને ૬થી ૧૨ ઑક્ટોબર વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમશે. બંગલાદેશ સામેની સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટર્સને ૪૩ દિવસનો બ્રેક મળશે. 

indian cricket team india cricket news sports sports news rohit sharma sri lanka gautam gambhir