વન-ડે સિરીઝની ટીમમાંથી જસપ્રીત બુમરાહને ચુપચાપ આઉટ કરી દેવાયો

05 February, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહેવાલ અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફીનાં ફક્ત બે અઠવાડિયાં પહેલાં બુમરાહ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA) પહોંચી ગયો છે અને થોડા દિવસો માટે બૅન્ગલોરમાં રહેશે

જસપ્રીત બુમરાહ

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સ્પિનર વરુણ ચક્રવર્તીને વન-ડે સિરીઝમાં જોડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં જે ટીમનો ઉલ્લેખ કરવામાં આવ્યો એમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ ગાયબ હતું, જ્યારે આ વન-ડે સિરીઝ માટે સ્ક્વૉડની જાહેરાત થઈ ત્યારે ચીફ સિલેક્ટર અજિત આગરકરે ત્રીજી વન-ડેથી બુમરાહ ફિટ થઈને મેદાન પર રમશે એવી આશા વ્યક્ત કરી હતી. વન-ડે સ્ક્વૉડના અપડેટેડ લિસ્ટમાં તેનું નામ ન લખવા વિશે કોઈ વિશેષ કારણ આપવામાં આવ્યું નથી.

બુમરાહની ઇન્જરી વિશે પણ કોઈ સત્તાવાર અપડેટ સામે આવી નથી. અહેવાલ અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફીનાં ફક્ત બે અઠવાડિયાં પહેલાં બુમરાહ નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA) પહોંચી ગયો છે અને થોડા દિવસો માટે બૅન્ગલોરમાં રહેશે. NCAના ફિઝિયો પાસેથી મંજૂરી મળ્યા પછી જ તે મેદાન પર વાપસી કરી શકશે.

india champions trophy england jasprit bumrah varun chakaravarthy board of control for cricket in india cricket news sports news sports