26 November, 2025 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ICC એ મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વેન્યુ સહિત શેડ્યુલની જાહેરાત કરી
ગઈ કાલે મુંબઈમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વેન્યુ સહિત શેડ્યુલની જાહેરાત કરી હતી. ૨૦૨૬ની ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ વચ્ચે મેન્સ T20 વર્લ્ડ કપની દસમી સીઝન રમાશે. ભારતીય ટીમને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમ ૭ ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અમેરિકા સામેની મૅચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
ભારતમાંથી પાંચ શહેર મુંબઈ, અમદાવાદ, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ અને શ્રીલંકામાંથી કોલંબોનાં બે સ્ટેડિયમ અને કેન્ડી શહેરને વેન્યુ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ ૮ વેન્યુ પર ૨૦ ટીમ વચ્ચેના આ વર્લ્ડ કપની પંચાવન મૅચ રમાશે. પાકિસ્તાન પોતાની તમામ મૅચ શ્રીલંકામાં રમશે. ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાનની ગ્રુપ-સ્ટેજ મૅચ રમાશે. પહેલી સેમી ફાઇનલ કલકત્તા (૪ માર્ચ), બીજી સેમી ફાઇનલ મુંબઈ (પાંચ માર્ચ) અને ફાઇનલ મૅચ (૮ માર્ચ)ની યજમાની અમદાવાદને મળી છે. જો પાકિસ્તાન સેમી ફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે તો પહેલી સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ શ્રીલંકામાં શિફ્ટ થશે.
ICC ચૅરમૅન જય શાહે T20 વર્લ્ડ કપ 2024ના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટના ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. વર્લ્ડ કપ ચૅમ્પિયન મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વર્તમાન મેન્સ T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં. ત્રણેયને સ્ટેજ પર બોલાવીને એક રસપ્રદ પૅનલ-ચર્ચા પણ કરવામાં આવી હતી.
ભારતનું શેડ્યુલ કેવું હશે?
૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં અમેરિકા સામે
૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે
૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે
૧૮ ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે
કયા ગ્રુપમાં કોને સ્થાન મળ્યું?
ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, અમેરિકા, નેધરલૅન્ડ્સ, નામિબિયા
ગ્રુપ B - ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયરલૅન્ડ, ઝિમ્બાબ્વે, ઓમાન
ગ્રુપ C - ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બંગલાદેશ, નેપાલ, ઇટલી
ગ્રુપ D - ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, કૅનેડા, UAE