T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય મહિલા ટીમની ઓપનિંગ જોડીનો ફ્લૉપ શો

05 June, 2026 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચમાં ૦, ૨૭ અને ૧૯ રનની જ ભાગીદારી થઈ શકી...

T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય મહિલા ટીમની ઓપનિંગ જોડીનો ફ્લૉપ શો

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમના વિજયી અભિયાન માટે ઓપનિંગ ભાગીદારી મહત્ત્વપૂર્ણ સાબિત થશે. જોકે ૧૨ જૂનથી શરૂ થતા વર્લ્ડ કપના ગણતરીના દિવસો પહેલાં ભારતની ઓપનિંગ જોડીનો ફ્લૉપ શો જોવા મળ્યો છે. સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માએ ઇંગ્લૅન્ડ સામે ત્રણ T20 મૅચમાં અનુક્રમે ૦, ૨૭ અને ૧૯ રનની જ ભાગીદારી કરી છે.

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ઓપનર્સ સ્મૃતિ માન્ધનાએ ૧૧૪.૨૮ના સ્ટ્રાઇક-રેટથી ૪૦ રન અને શફાલી વર્માએ ૧૫૨.૧૭ના સ્ટ્રાઇક-રેટથી માત્ર ૩૫ રન કર્યા છે. આ જોડી વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ પ્લસ રનની ભાગીદારી કરનાર પહેલી જોડી છે. બન્નેના નામે ભારતીય મહિલા T20 ટીમ માટે કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ૧૬૨ રનની ભાગીદારી કરવાનો રેકૉર્ડ પણ છે.

શું કહે છે સ્મૃતિ માન્ધના?
૨૦૨૦ અને ૨૦૨૪ બાદ ત્રીજી વખત વિમેન્સ T20 વર્લ્ડ કપમાં શફાલી વર્મા સાથે ઓપનિંગ ભાગીદારી કરવા વિશે સ્મૃતિ માન્ધના કહે છે, ‘હું અને શફાલી ચોક્કસપણે બૉલને સારી રીતે ટાઇમ કરી રહ્યાં છીએ પરંતુ કમનસીબે અમે ટીમ માટે મોટું યોગદાન આપી શક્યાં નથી. અમે ફરી નેટમાં જઈશું, સખત મહેનત કરતાં રહીશું અને ખાતરી કરીશું કે અમે ઓપનિંગ જોડી તરીકે મજબૂત રીતે પાછાં આવીએ. વર્લ્ડ કપમાં સારી શરૂઆત અપાવીને ગતિ જાળવી રાખવામાં અમને ગર્વ થશે.’

smriti mandhana indian womens cricket team cricket news sports news