04 December, 2025 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ
મહેમાન ટીમ સાઉથ આફ્રિકા સામે ૯થી ૧૯ ડિસેમ્બર વચ્ચે રમાનારી પાંચ T20 મૅચની સિરીઝ માટે ગઈ કાલે ભારતીય સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. ૧૫ સભ્યોની સ્ક્વૉડ ઑલમોસ્ટ ઑસ્ટ્રેલિયા ટૂરની T20 સ્ક્વૉડ જેવી જ છે. એમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ફિનિશર રિન્કુ સિંહને બદલે ટીમમાં સ્થાન મળ્યું છે.
એશિયા કપ દરમ્યાન ઇન્જર્ડ થયેલા હાર્દિક પંડ્યાએ હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન પોતાની ફિટનેસ સાબિત કરી હતી. રિન્કુ સિંહને એશિયા કપની જેમ ઑસ્ટ્રેલિયા ટૂર વધારે રમવાની તક મળી નહોતી. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ આ સ્ક્વૉડનો ભાગ તો છે, પરંતુ BCCIના સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ફિટનેસ-ક્લિયરન્સ મળ્યા બાદ જ તે મેદાન પર ઊતરી શકશે. કલકત્તા ટેસ્ટ-મૅચ દરમ્યાન તેની ગરદનમાં ઈજા થઈ હતી.
ભારતની T20 સ્ક્વૉડ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વૉશિંગ્ટન સુંદર.
ક્યાં-ક્યાં રમાશે T20 મૅચ?
૯ ડિસેમ્બરે ઓડિશાના કટકમાં, ૧૧ ડિસેમ્બરે પંજાબના મુલ્લાંપુરમાં, ૧૪ ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં, ૧૮ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના લખનઉમાં અને ૧૯ ડિસેમ્બરે ગુજરાતના અમદાવાદમાં પાંચ T20 મૅચની સિરીઝની રોમાંચક રમત રમાશે.