26 July, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા અને ઈશાન કિશન વચ્ચે ચોથી વિકેટ માટે ૪૪ બૉલમાં ૯૪ રનની ભાગીદારી થઈ હતી.
હરારેમાં ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે બીજી T20 મૅચ ૯૦ રને જીતીને ભારતે ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો હતો. આ હરીફ સામે T20 સિરીઝમાં અપરાજિત રહેવાનો રેકૉર્ડ ભારતે પાંચ સિરીઝ સુધી પહોંચાડ્યો છે. ઝિમ્બાબ્વે સામે ભારતની ચોથી T20 સિરીઝ જીત છે. ૨૦૧૫માં એક સિરીઝ ડ્રૉ રહી હતી. જાન્યુઆરી મહિનાના અંતે છેલ્લી સિરીઝ ન્યુ ઝીલૅન્ડ સામે જીત્યા બાદ ભારત અને કૅપ્ટન શ્રેયસ ઐયરની આ પહેલી દ્વિપક્ષીય T20 સિરીઝ જીત હતી.
સતત ૮ મૅચ બાદ પહેલી વખત ટૉસ હારનાર કૅપ્ટન શ્રેયસ ઐયરની ટીમે પહેલાં બૅટિંગ કરીને ૨૧૯/૫ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમ ૧૭.૫ ઓવરમાં ૧૨૯ રને ઑલઆઉટ થઈને હારી હતી. આજે સાંજે ૪.૩૦ વાગ્યે બન્ને ટીમ વચ્ચે છેલ્લી મૅચ રમાશે.
ભારત માટે ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૯ બૉલમાં ૩ ફોર અને એક સિક્સની મદદથી ૨૦ રન કર્યા હતા. ઈશાન કિશને ત્રીજા ક્રમે રમીને ૯ ફોર અને બે સિક્સની મદદથી ૪૪ બૉલમાં ૮૧ રન કર્યા હતા. તિલક વર્મા પાંચ ફોર અને ૩ સિક્સના આધારે ૨૯ બૉલમાં ૬૦ રન ઝૂડીને અણનમ રહ્યો હતો.
૮.૨ ઓવરમાં ૬૫ રનના સ્કોરે ઝિમ્બાબ્વેની અડધી ટીમ તંબુભેગી થઈ ગઈ હતી. ઓપનર બ્રાયન બેનેટે આ ટીમ માટે ૧૯ બૉલમાં ત્રણ ફોર અને ત્રણ સિક્સના આધારે ૩૨ રન કર્યા હતા. ભારત તરફથી અભિષેક શર્માએ ૨.૫ ઓવરમાં ૧૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. યશ ઠાકુર અને પ્રિન્સ યાદવને બે-બે વિકેટ મળી હતી. તિલક વર્મા, શિવમ દુબે અને રવિ બિશ્નોઈને ૧-૧ સફળતા મળી હતી.
કલકત્તાના યશ ઠાકુરને ભારતની ૧૨૪મી T20 કૅપ મળી
કલકત્તાના ૨૭ વર્ષના ફાસ્ટ બોલર યશ ઠાકુરે ગઈ કાલે ૧૨૪મી T20 કૅપ મેળવીને ભારત માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. યશ ઠાકુરે ૪ ઓવરમાં ૩૦ રન આપીને હરીફ ટીમના ઓપનર અને વિકેટકીપર એમ બે બૅટરની વિકેટ લીધી હતી.
યશ ઠાકુર તેના T20 કરીઅરની ૭૪ મૅચમાં ૮.૧૭ના ઇકૉનૉમી-રેટ સાથે ૧૧૦ વિકેટ લઈ ચૂક્યો છે. છેલ્લી ૪ IPL સીઝનમાં લખનઉ માટે પહેલી અને પંજાબ માટે છેલ્લી બે સીઝન રમીને તેણે ૨૨ મૅચમાં ૨૭ વિકેટ લીધી હતી.