20 April, 2026 03:34 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી લઈને સાળંગપુર પહોંચ્યા
ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી લઈને સાળંગપુર પહોંચ્યા હતા. બન્નેએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનાં ચરણોમાં વર્લ્ડ કપ ટ્રોફી અર્પણ કરીને ભારતની જીત માટે રાખેલી માનતા પૂર્ણ કરી હતી. ભારત વિશ્વવિજેતા બને એ માટે બન્નેએ માનતા રાખી હતી. સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે મંત્રોચ્ચાર સાથે હનુમાનદાદાના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. આ અવસરે બન્નેએ ધ્વજાપૂજાની વિધિ પણ કરી હતી અને મંદિરના શિખર પર ધજા ચડાવી હતી. મંદિરના સંતો દ્વારા બન્નેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.
વર્લ્ડ કપ જીતવો એ આખા દેશનું સપનું હતું. હનુમાનદાદાની કૃપાથી જ અમે આ ટ્રોફી ભારત લાવી શક્યા છીએ. આજે અહીં ટ્રોફી સાથે નતમસ્તક થઈને હું અને ગૌતમભાઈ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. - ભારતનો T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ.