અન્ડર-19 વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકા સામે ક્લીન સ્વીપ કરવા માટે ઊતરશે ભારત

07 January, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદથી પ્રભાવિત પહેલી બન્ને મૅચમાં ભારતે DLS મેથડ હેઠળ અનુક્રમે ૨૫ રન અને ૮ વિકેટથી જીત મેળવી હતી

વૈભવ સૂર્યવંશી બીજી વન-ડે મૅચમાં ૨૪ બૉલમાં ૬૮ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો

આજે ભારત અને સાઉથ આફ્રિકાની અન્ડર-19 વન-ડે સિરીઝની અંતિમ મૅચ રમાશે. ૨-૦થી સિરીઝ જીતનાર વૈભવ સૂર્યવંશી ઍન્ડ કંપની આજે સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને આગામી વન-ડે વર્લ્ડ કપ માટે પોતાનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવા ઊતરશે. વરસાદથી પ્રભાવિત પહેલી બન્ને મૅચમાં ભારતે DLS મેથડ હેઠળ અનુક્રમે ૨૫ રન અને ૮ વિકેટથી જીત મેળવી હતી.

સોમવારે બીજી વન-ડે મૅચમાં યજમાન સાઉથ આફ્રિકાએ ૪૯.૩ ઓવરમાં ૨૪૫/૧૦નો સ્કોર કર્યો હતો. વરસાદને કારણે ભારતીય ટીમને ૨૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. વૈભવ સૂર્યવંશીના ૬૮ રન અને અભિજ્ઞાન કુંડુના ૪૮ રનના આધારે ભારતે ૨૩.૩માં ૧૭૬/૨નો સ્કોર કરીને જીત નોંધાવી હતી. 

સાલ બદલ ગયા, વૈભવ નહીં બદલા

ગયા વર્ષની જેમ નવા વર્ષે પણ વૈભવ સૂર્યવંશીએ પોતાની ધમાકેદાર બૅટિંગ ચાલુ રાખી છે. યુથ વન-ડે ક્રિકેટનો યંગેસ્ટ કૅપ્ટન વૈભવ સૂર્યવંશી બીજી વન-ડે મૅચમાં ૨૪ બૉલમાં ૬૮ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે પોતાની ઇનિંગ્સના ૯૪ ટકા રન બાઉન્ડરીથી બનાવ્યા હતા. અન્ડર-19 ટીમના કૅપ્ટન તરીકેની પોતાની બીજી જ મૅચમાં વૈભવ સૂર્યવંશીએ ૧૦ સિક્સ અને ૧ ફોર ફટકારી હતી. ૨૮૩.૩૩ના સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરનાર આ ઓપનરે ૧૯ બૉલમાં હાફ-સેન્ચુરી પૂરી કરી હતી.

u19 world cup india south africa one day international odi cricket news sports sports news vaibhav suryavanshi