સેન્ચુરિયન શુભમન ગિલ અને ઈશાન કિશને અફઘાનિસ્તાનને ૧૭૦ રનથી કચડી નાખ્યું

18 June, 2026 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે સિરીઝમાં ૨-૦થી અજેય લીડ લીધી, વન-ડેમાં આઠમી વાર ૪૦૦ પ્લસ રન બનાવીને સાઉથ આફ્રિકાની બરોબરી કરી

ભારતના કૅપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે ૧૪૧ બૉલમાં ૨૨૪ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી.

લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે ભારતે અફઘાનિસ્તાનને બીજી વન-ડેમાં ૧૭૦ રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ લીધી હતી. ભારતે આપેલા ૪૦૩ રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાનીઓ ૨૩૨ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. આ જીત સાથે ભારતે અફઘાનિસ્તાન સામે ક્યારેય ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો.

ધરમશાલામાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતનો ૭ વિકેટથી વિજય થયો હતો. હવે ત્રીજી અને છેલ્લી મૅચ ચેન્નઈમાં શનિવારે રમાશે.

ગિલ-કિશનનો જલવો, ભારત ૪૦૦ પાર
ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ મળતાં ભારતે કૅપ્ટન શુભમન ગિલ અને વિકેટકીપર-બૅટર ઈશાન કિશનની સેન્ચુરીના જોરે ૪૯.૫ ઓવરમાં ૪૦૨ રન ખડકી દીધા હતા. ગિલે ૧૧૦ બૉલમાં બે સિક્સર અને ૨૨ ફોર સાથે ૧૫૪ રન તથા કિશને ૭૯ બૉલમાં ૭ સિક્સર અને ૧૪ ફોર સાથે ૧૨૫ રન બનાવ્યા હતા. વન-ડેમાં ૧૬ મહિના બાદ ગિલે સેન્ચુરી ફટકારી હતી. વન-ડે કરીઅરની આ તેની નવમી અને કૅપ્ટન તરીકે પ્રથમ સેન્ચુરી બની ગઈ હતી. ગિલ અને કિશને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૪૧ બૉલમાં ૨૨૪ રનની પાર્ટનરશિપને લીધે જ ભારત લખનઉમાં પહેલી વાર ૪૦૦ પ્લસ રનનો સ્કોર બનાવી શક્યું હતું. રોહિત શર્મા ૩૯ બૉલમાં ૪૮ બનાવીને આઉટ થતાં બે રનથી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. શ્રેયસ ઐયરે ૨૬ અને વૉશિંગ્ટન સુંદરે ૧૯ રન બનાવ્યા હતા. કે. એલ. રાહુલ ખાતું પણ ખોલી નહોતો શક્યો. ૩૬મી ઓવરમાં કિશનના રૂપમાં ભારતની ત્રીજી વિકેટ પડી ત્યારે સ્કોર ૩૬૦ રનનો હતો અને ટીમ ૪૫૦ પ્લસ રન બનાવશે એવું લાગી રહ્યું હતું, પણ નિરંતર વિકેટપતનને લીધે ગાડી ૪૦૨ રન પર જ અટકી ગઈ હતી. 

સારી શરૂઆત બાદ અફઘાનિસ્તાન પણ ફસડાઈ ગયું હતું અને ૪૪.૩ ઓવરમાં ૨૩૨ રન પર જ ઑલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી અર્શદીપ સિંહ અને ગુરનૂર બરાડે ૩-૩ વિકેટ લીધી હતી, જ્યારે પ્રિન્સ યાદવે બે અને વૉશિંગ્ટન ‍સુંદરે એક વિકેટ લીધી હતી. 

કરીઅરની પ્રથમ બન્ને વન-ડેમાં ત્રણ વિકેટ લેનાર ગુરનૂર બરાડ ભારતનો પહેલો બોલર બની ગયો હતો. પ્રથમ વન-ડેમાં બરાડે ૨૭ રનમાં ૩ વિકેટ લીધી હતી. 

પ્રિન્સ યાદવનું ડેબ્યુ

ભારતીય ટીમે ગઈ કાલે IPLમાં શાનદાર પર્ફોર્મ કરનાર પ્રિન્સ યાદવને મોકો આપ્યો હતો. નીતીશ કુમાર રેડ્ડીની ઇન્જરીને લીધે પ્રિન્સનો નંબર લાગી ગયો હતો. તેણે ૭.૩ ઓવરમાં ૫૬ રન આપીને બે વિકેટ લીધી હતી. ઉપરાંત કુલદીપ યાદવ અને યશસ્વી જાયસવાલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જોકે તે બન્ને નિષ્ફળ રહ્યા હતા. જાયસવાલ ફક્ત ચાર  રન બનાવી શક્યો હતો જ્યારે કુલદીપ પણ કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. 

72 - ગઈ કાલે શ્રેયસ ઐયરે વન-ડેમાં ૩૦૦૦ રનનો આંકડો આટલામી ઇનિંગ્સમાં પાર કરીને  વિરાટ કોહલીને (૭૫ ઇનિંગ્સ) પાછળ રાખી દીધો હતો. તે હવે શિખર ધવન સાથે સયુંક્ત રીતે સેકન્ડ ફાસ્ટેસ્ટ બની ગયો છે. શુભમન ગિલ ૬૨ ઇનિંગ્સ સાથે ફાસ્ટેસ્ટ છે.

8- ૪૦૨ રન સાથે ભારતે વન-ડેમાં સૌથી વધુ આટલી વાર ૪૦૦ પ્લસ બનાવવાના સાઉથ આફ્રિકાના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી.

sports news sports cricket news indian cricket team ishan kishan shubman gill afghanistan one day international odi