03 November, 2025 10:46 AM IST | Hobart | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ડેન્જરસ ટ્રૅવિસ હેડની વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ સાથે સેલિબ્રેટ કરી રહેલો મૅચનો હીરો અર્શદીપ સિંહ. તેણેૃ ત્રણ વિકેટ લીધી હતી.
ગઈ કાલે હોબાર્ટમાં ભારતે શાનદાર કમબૅક કરતાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવીને સિરીઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ આપેલા ૧૮૭ રનના ટાર્ગેટને ભારતે ૧૮.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. હવે ચોથી મૅચ ગુરુવારે રમાશે.
હાઇએસ્ટ ચેઝનો રેકૉર્ડ બનાવ્યો
સૂર્યકુમાર ઍન્ડ કંપનીએ ૧૮૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને હોબાર્ટના આ બેલેરિવ ઓવલ ગ્રાઉન્ડ પર નવો ઇતિહાસ રચી દીધો હતો. ૨૦૧૦થી આ મેદાનમાં T20 મૅચો રમાઈ છે અને આ પહેલાં હાઇએસ્ટ ચેઝનો રેકૉર્ડ ૧૭૭ રનનો હતો જે ૨૦૨૨માં આયરલૅન્ડે સ્કૉટલૅન્ડ સામે બનાવ્યો હતો.
ચેન્જિસ યોગ્ય સાબિત થયા
બીજી મૅચમાં હાર બાદ ટીમ મૅનેજમેન્ટે ગઈ કાલે પ્લેઇંગ ઇલેવનમાં એકસાથે ત્રણ ફેરફાર કર્યા હતા. હર્ષિત રાણા, સંજુ સૅમસન અને કુલદીપ યાદવને પડતા મૂકીને અર્શદીપ સિંહ, વૉશિંગ્ટન સુંદર અને જિતેશ શર્માને મોકો આપ્યો હતો. ત્રણેય જણે ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અર્શદીપ તો ૩૫ રનમાં ટ્રૅવિસ હેડ, જોશ ઇંગ્લિસ અને માર્કસ સ્ટૉઇનિસની મૂલ્યવાન વિકેટ ઝડપીને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. ભારતના હાઇએસ્ટ વિકેટટેકર અર્શદીપ સિંહને ન રમાડવા બદલ ભારે ટીકા થઈ હતી. ટીમમાં અનુભવી અર્શદીપને બદલે યુવા હર્ષિત રાણાને મોકો આપવાના નિર્ણયથી ચાહકો ઉપરાંત ભૂતપૂર્વ દિગ્ગજો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ગઈ કાલે અર્શદીપે મૅન ઑફ ધ મૅચની ટ્રોફી જીતીને ટ્રોલરોને મોકળું મેદાન આપી દીધું હતું અને ગૌતમ ગંભીર ઍન્ડ કંપની પર વરસી પડ્યા હતા.
સુંદર-જિતેશે કર્યો બેડો પાર
૧૮૭ના ટાર્ગેટ સામે અભિષેક શર્માએ તેની સ્ટાઇલમાં ૧૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે પચીસ રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત કરાવી આપી હતી. શુભમન ગિલ ૧૨ બૉલમાં ૧૫ રન સાથે ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવના ૧૧ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૪ અને તિલક વર્માના પચીસ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૯ રનને લીધે ટીમ વિજયપથ પર દોડતી રહી હતી. જોકે અક્ષર પટેલની વિકેટ બાદ ટીમ ફસડાઈ પડે એવું લાગી રહ્યું હતું, પણ વૉશિંગ્ટન સુંદર (૨૩ બૉલમાં ચાર સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૪૯) અને જિતેશ શર્મા (૧૩ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૨૨ રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે પચીસ બૉલમાં અણનમ ૪૩ રનની પાર્ટનરશિપે ટીમની નૈયા પાર કરાવીને સિરીઝને જીવંત રાખી હતી.
ડેવિડ-સ્ટૉઇનિસની હાફ સેન્ચુરી
ભારતીય કૅપ્ટન સૂર્યકુમારે ટૉસ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અર્શદીપે આવતાંની સાથે હેડ અને ઇંગ્લિસને આઉટ કરીને પરચો બતાવ્યો હતો. ત્યાર બાદ વરુણ ચક્રવર્તીએ પણ કૅપ્ટન મિચલ માર્શ અને મિચલ ઓવનના રૂપમાં ડબલ ઝટકા આપીને કાંગારૂઓની બૅટિંગની કમર તોડી નાખી હતી, પણ ટિમ ડેવિડ મળેલા જીવતદાનનો ભરપૂર ફાયદો ઉઠાવીને ૩૮ બૉલમાં પાંચ સિક્સર અને ૮ ફોર સાથે આક્રમક ૭૪ રન ફટકારીને ટીમની વહારે આવ્યો હતો. આખરે સ્ટૉઇનિસ ૩૯ બૉલમાં બે સિક્સર અને ૮ ફોરની મદદથી ૬૪ રન સાથે ટીમને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૬ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગયો હતો. અર્શદીપની ૩ અને ચક્રવર્તીની બે વિકેટ ઉપરાંત શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. બુમરાહે ચાર ઓવરમાં માત્ર ૨૬ રન આપ્યા હતા પણ તે કોઈ વિકેટ નહોતો લઈ શક્યો.
બુમરાહ-અર્શદીપ એટલે આગ અને પાણી
સૂર્યકુમારે ગઈ કાલે બુમરાહ અને અર્શદીપની જોડીને આગ અને પાણી જેવી ગણાવી હતી. સૂર્યકુમારે આ કમાલની જોડીનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘એ એક શાનદાર જોડી છે; જેમ કે આગ અને પાણી, અમુક અંશે શુભમન અને અભિષેકની જેમ. બુમરાહ ચૂપચાપ તેનું કામ કરે છે અને હરીફને જકડી રાખે છે, જ્યારે અર્શદીપ બીજા છેડે એનો ફાયદો ઉઠાવે છે. એકસાથે ખરેખર તેઓ ખૂબ ખતરનાક છે.
કુલદીપ ભારત પાછો આવી રહ્યો છે
લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ આગામી સાઉથ આફ્રિકા સામેની સિરીઝની તૈયારી માટે ભારત પાછો આવી રહ્યો છે. ગઈ કાલે તેને T20 સ્ક્વૉડમાંથી છૂટો કરવામાં આવ્યો હતો અને સાઉથ આફ્રિકા-A સામેની અન-ઑફિશ્યલ બીજી ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મૅચ ગુરુવારથી બૅન્ગલોરમાં શરૂ થશે.