06 November, 2025 11:49 AM IST | Gold Coast | Gujarati Mid-day Correspondent
ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ
આજે કરેરામાં ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની ચોથી T20 મૅચ રમાશે. ત્રણ મૅચ બાદ ૧-૧થી બરોબરી પર હોવાથી આજે બન્ને ટીમ લીડ લેવા અને સિરીઝને સેફ કરવા મેદાનમાં ઊતરશે. આજે જે જીતશે એ ઍટ લીસ્ટ સિરીઝ નહીં હારે એ નિશ્ચિત થઈ જશે. ઑસ્ટ્રેલિયા ટીમ મૅનેજમેન્ટે એનું સંપૂર્ણ ફોકસ આગામી ઍશિઝ સિરીઝ પર કરી દીધું હોવાથી જોશ હેઝલવુડ અને ટ્રૅવિસ હેડને આ સિરીઝમાંથી હટાવીને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમવા મોકલી આપ્યા છે એટલે બે મુખ્ય પ્લેયર વગરની કાંગારૂ ટીમ સામે ભારત માટે ત્રીજી મૅચની જીતનો જોશ જાળવીને સિરીઝમાં ૨-૧થી લીડ સાથે સિરીઝને સેફ કરવાની ગોલ્ડન તક છે. જોકે ઇન્જરીમુક્ત થઈને ફરી રમવા આવેલો ગ્લેન મૅક્સવેલ કોઈ મૅજિક ન કરે એવી તકેદારી રાખવી જરૂરી છે.
એક સમયે મુખ્યત્વે ફુટબૉલ માટે વપરાતા આ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા અત્યાર સુધી ત્રણ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યું છે. ૨૦૧૮માં પહેલી મૅચમાં તેમનો સાઉથ આફ્રિકા સામે ૨૧ રનથી પરાજય થયો હતો અને ત્યાર બાદ ૨૦૨૨માં વેસ્ટ ઇન્ડીઝ સામેની બન્ને મૅચમાં બે વિકેટે અને ૩૧ રને વિજય મેળવ્યો હતો.
સૂર્યકુમાર ધીરે-ધીરે અસલી ટચમાં આવી રહ્યો છે, પણ શુભમન ગિલ છેલ્લી ૬ મૅચમાં હાફ સેન્ચુરી પણ નથી બનાવી શક્યો એ ચિંતાજનક બાબત છે. ચાહકો આજે તેની પાસે મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા છે. બોલિંગમાં અર્શદીપ સિંહે આવતાંની સાથે ચમકારો બતાવી દીધો છે. ત્રીજી મૅચમાં શિવમ દુબે ખૂબ મોંઘો સાબિત થયો હોવાથી આજે તેને બદલે ફરી ફિટ થયેલા નીતિનકુમાર રેડ્ડીને મોકો મળી શકે છે.
અભિષેક શર્માને વર્લ્ડ રેકૉર્ડ માટે આજે ૩૯ રનની જરૂર
ટીમ ઇન્ડિયાના ડૅશિંગ ઓપનર અને T20ના નંબર વન બૅટર અભિષક શર્માને એક મોટો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરવા માટે આજે ૩૯ રનની જરૂર છે. અભિષેકે અત્યાર સુધી T20 ઇન્ટરનૅશનલમાં ૫૦૦ બૉલમાં ૯૬૧ રન બનાવ્યા છે. જો તે આજે ૩૯ રનનો આંકડો પાર કરવામાં સફળ થાય તો ચાર દિવસ જૂનો ટિમ ડેવિડનો રેકૉર્ડ તોડી શકશે. ડેવિડે રવિવારે ત્રીજી મૅચમાં ૫૬૯ બૉલમાં ૧૦૦૦ રન પૂરા કરીને સૂર્યકુમાર યાદવનો ૫૭૩ બૉલમાં ૧૦૦૦ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. અભિષેક જો આજે સફળ થયો તો તે વિરાટ કોહલીના ભારતીય રેકૉર્ડની બરાબરી પણ કરશે. કોહલી T20 ઇન્ટરનૅશનલમાં ઇનિંગ્સ પ્રમાણે સૌથી ઝડપી ૨૭ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનનો ભારતીય રેકૉર્ડ ધરાવે છે. અભિષેક આજે ૨૭મી ઇનિંગ્સમાં એ રેકૉર્ડની બરોબરી કરી લેશે. આ મામલે વર્લ્ડ રેકૉર્ડ ૨૪ ઇનિંગ્સનો ઇંગ્લૅન્ડનો ડેવિડ મલાન ધરાવે છે.
|
T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન |
|
|
ખેલાડી |
બૉલ |
|
ટિમ ડેવિડ (ઑસ્ટ્રેલિયા) |
૫૬૯ |
|
સૂર્યકુમાર યાદવ (ભારત) |
૫૭૩ |
|
ગ્લેન મૅક્સવેલ (ઑસ્ટ્રેલિયા) |
૬૦૪ |
|
ફિન ઍલન (ન્યુ ઝીલૅન્ડ) |
૬૧૧ |