02 December, 2024 08:14 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
દિવસની શરૂઆતમાં જ વરસાદના વિઘ્નને કારણે સમય વેડફાતાં આ મૅચ ૪૬-૪૬ ઓવરની થઈ હતી
છઠ્ઠી ડિસેમ્બરે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામે પિન્ક બૉલથી બે દિવસની ડે-નાઇટ ટેસ્ટ રમવાની હતી પણ પહેલા દિવસે વરસાદને કારણે રમત શક્ય ન બનતાં ગઈ કાલે બીજા દિવસે પિન્ક બૉલથી ૫૦-૫૦ ઓવરની મૅચ આયોજિત થઈ હતી.
દિવસની શરૂઆતમાં જ વરસાદના વિઘ્નને કારણે સમય વેડફાતાં આ મૅચ ૪૬-૪૬ ઓવરની થઈ હતી જેમાં ભારતીય ટીમે ૬ વિકેટે જીત મેળવી હતી. પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવને ૪૩.૨ ઓવરમાં ઑલઆઉટ થઈ ૨૪૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતીય ટીમે ૪૨.૫ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. એ પછી ટીમે બાકીની ઓવરમાં પણ બૅટિંગ કરી અને ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ૨૫૭ રન બનાવ્યા હતા.
ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ (૪૫ રન) અને કે. એલ. રાહુલે (૨૭ રન) ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઇન્જરીમાંથી બહાર આવેલો શુભમન ગિલ ભારતીય ટીમ માટે સૌથી વધુ ૫૦ રન બનાવી રિટાયર્ડ હર્ટ થઈને બહાર થયો હતો. ચોથા ક્રમે બૅટિંગ કરવા ઊતરેલા કૅપ્ટન રોહિત શર્મા માત્ર ત્રણ રને કૅચઆઉટ થયો હતો. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદરે ૪૨-૪૨ રનની ઇનિંગ્સ રમીને પ્રભાવિત કર્યા હતા. સ્ટાર બૅટર રિષભ પંત અને વિરાટ કોહલી બૅટિંગ કરવા ન ઊતરતાં સ્ટેડિયમમાં હાજર ફૅન્સ નિરાશ થયા હતા.
બોલિંગ યુનિટમાંથી ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ૬ ઓવરમાં ૪૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ૨૨.૪થી ૨૪.૩ ઓવર દરમ્યાન તેણે પોતાની ઓવરના ૬ બૉલમાં આ ચાર વિકેટ ઝડપી હતી. આકાશ દીપે પણ ૧૦ ઓવરમાં ૫૮ રન આપી બે વિકેટ લઈ પોતાની છાપ છોડી હતી. પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન તરફથી ૧૯ વર્ષનો ઓપનર સૅમ કોન્સ્ટાસ ૧૦૭ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.