પહેલા દિવસે ઇંગ્લૅન્ડ સામે ભારતીય બોલરો છવાયા

05 August, 2021 11:34 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નૉટિંગહૅમ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડ ૧૮૩ રનમાં ઑલઆઉટ

બુમરાહે ચાર, શમીએ ત્રણ અને શાર્દુલે બે વિકેટ લીધી હતી

ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ગઈ કાલે ભારતે નૉટિંગહૅમ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડને માત્ર ૬૫.૪ ઓવરમાં ૧૮૩ રનમાં જ ઑલઆઉટ કરી દીધું હતું. ભારતના બોલર જસપ્રીત બુમરાહે ૪૬ રન આપી ૪ વિકેટ, મોહમ્મદ શમી ૨૮ રનમાં ૩ તો શાર્દુલ ઠાકુરે ૪૧ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. ઇંગ્લૅન્ડે છેલ્લી સાત વિકેટ માત્ર ૪૫ રનની અંદર જ ગુમાવી દીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી કૅપ્ટન જો રૂટ (૬૨) અને જૉની બેરસ્ટૉ (૨૯) વચ્ચે ચોથી વિકેટ માટે સૌથી વધુ ૭૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સિવાય કોઈ ભારતીય બોલરો સામે ટકી શક્યું નહોતું. મોહમ્મદ શમીએ આ પાર્ટનરશિપ તોડી હતી. ત્યાર બાદ ઇંગ્લૅન્ડની વિકેટ ફટાફટ પડી હતી.

ઇંગ્લૅન્ડે પહેલાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. ઇંગ્લૅન્ડે પહેલા સેશનમાં ૬૧ રન તો બીજા સેશનમાં ૭૭ રન કર્યા હતા. ટી-બ્રેક સુધીમાં તેણે ૧૩૮ રનમાં ૪ વિકેટ ગુમાવી હતી. ભારતે આ મૅચમાં અશ્વિનને બદલે શાર્દુલ ઠાકુરને તક આપી હતી. અશ્વિનને આ મૅચમાં ન રમાડવાનો મોટો નિર્ણય લીધો હતો.

sports sports news