20 July, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ત્રીજી વન-ડે મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલર મોહમ્મદ સાકિબને સ્થાને જૉસ ટન્ગને ફરી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. ભારતની પ્લેઇંગ ઇલેવનમાંથી વૉશિંગ્ટન સુંદર અને શિવમ દુબે બહાર થયા હતા અને એમના સ્થાને કે.એલ. રાહુલ, પ્રિન્સ યાદવને સ્થાન મળ્યું હતું.
૨૦૨૩ના વર્લ્ડ કપ પછી ભારતની વન-ડે ટીમ માટે બૅક-ટુ-બૅક મૅચ રમનાર જસપ્રીત બુમરાહ ડાબા પગના ઘૂંટણની ઇન્જરીને કારણે ત્રીજી મૅચમાં રમી શક્યો નહોતો. એના સ્થાને યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને રમાડવામાં આવ્યો હતો. અનુભવી સ્પિનર કુલદીપ યાદવે બ્રિટન-ટૂર પર ફરીથી રમવાની તક મળી નહોતી.
જસપ્રીત બુમરાહને બદલે અર્શદીપ સિંહને રમાડવો એ ખરાબ નિર્ણય. સ્પિનર કુલદીપ યાદવ વારંવાર બેન્ચ પર બેસી રહેશે તો તેના લય અને કૉન્ફિડન્સ પર ખરાબ અસર પડશે. - ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન
ગઈ કાલે લંડનસ્થિત લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી વન-ડે મૅચની શરૂઆત યુવરાજ સિંહે બેલ વગાડીને કરાવી હતી. આ દરમ્યાન યુવરાજ સિંહની પત્ની અને ઍક્ટ્રેસ હેઝલ પણ હાજર રહી હતી.
VIP બૉક્સમાં કુમાર સંગકારા, ક્લાઇવ લૉઇડ, સુનીલ ગાવસકર, બ્રાયન લારા અને યુવરાજ સિંહ એકસાથે મૅચ નિહાળતા જોવા મળ્યા હતા
યુવરાજ સિંહે મૅચ દરમ્યાન આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ માટે તમારે અનુભવી અને યુવા ક્રિકેટર્સના મિશ્રણવાળી સ્ક્વૉડની જરૂર પડશે. જો રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્લ્ડ કપના પ્લાનમાં સામેલ છે તો ટીમ-મૅનેજમેન્ટે તેમને હમણાં જ એની જાણ કરવી પડશે. તેમણે દેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.’
લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી વન-ડે મૅચ પહેલાં બન્ને ટીમના પ્લેયર્સ સહિત તમામ દર્શકોએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. બન્ને ટીમના પ્લેયર્સ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના દિવંગત ખેલાડી સર ગૅરી સોબર્સને આ રીતે ઇંગ્લૅન્ડની ધરતી પરથી ક્રિકેટ જગતે પહેલી સામૂહિક શ્રદ્ધાંજલિ આપી હતી.