09 July, 2025 08:51 AM IST | London | Gujarati Mid-day Correspondent
IPLમાં ઝઘડો કરનાર જસપ્રીત બુમરાહ અને કરુણ નાયર લૉર્ડ્સમાં પ્રૅક્ટિસ દરમ્યાન મજાક-મસ્તી કરતા જોવા મળ્યા.
લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૧૦થી ૧૪ જુલાઈ વચ્ચે ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે પાંચ મૅચની સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાશે. ભારતે એજબૅસ્ટનમાં પહેલી વાર ટેસ્ટ જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરી છે, પણ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જીતનો માર્ગ એટલો સરળ નહીં રહે.
આ મેદાન પર ઇંગ્લૅન્ડને ૧૪૫ ટેસ્ટમાંથી ૫૯ જીત અને ૩૫ હાર મળી છે, જ્યારે ૫૧ મૅચ ડ્રૉ રહી છે. ઇંગ્લૅન્ડને અહીં છેલ્લી ટેસ્ટ-હાર જુલાઈ ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે મળી હતી. ત્યાર બાદની બન્ને ટેસ્ટ-મૅચ યજમાન ટીમે અહીં જીતી હતી. કાંગારૂ ટીમ આ મેદાન પર સૌથી વધુ ટેસ્ટ-મૅચ જીતનાર વિદેશી ટીમ છે. આ ટીમે અહીં ૪૧ ટેસ્ટ-મૅચ રમી છે જેમાં ૧૮ જીત અને માત્ર ૮ હાર મળી છે, જ્યારે ૧૫ મૅચ ડ્રૉ રહી હતી.
હળવા મૂડમાં જોવા મળ્યા ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન રિષભ પંત.
ભારત આ મેદાન પર ઇંગ્લૅન્ડ સામે ૧૯૩૨થી ૨૦૨૧ સુધી ૧૯ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાં ઇંગ્લૅન્ડને ૧૨ અને ભારતને માત્ર ૩ મૅચમાં જીત મળી છે. ચાર મૅચ ડ્રૉ રહી છે. બન્ને ટીમે આ મેદાન પર છેલ્લી ડ્રૉ મૅચ ૨૦૦૭માં રમી હતી. ભારતે ૧૯૮૬માં કપિલ દેવના નેતૃત્વ હેઠળ પાંચ વિકેટ, ૨૦૧૪માં મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ૯૫ રન અને ૨૦૨૧માં કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ૧૫૧ રને ટેસ્ટ-જીત નોંધાવી હતી.
લૉર્ડ્સમાં પ્રૅક્ટિસ દરમ્યાન શાર્દૂલ ઠાકુર અને નીતીશકુમાર રેડ્ડી સાથે બોલિંગ પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા તો બીજી તરફ રવીન્દ્ર જાડેજા અને અભિમન્યુ ઈશ્વરન પણ એકબીજા સાથે ક્રિકેટની ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
અન્ય એશિયન ટીમોમાંથી પાકિસ્તાન અહીં ૧૬માંથી પાંચ-પાંચ ટેસ્ટ-મૅચ જીત્યું અને હાર્યું છે, જ્યારે ૬ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. શ્રીલંકાને ૯માંથી ૩ મૅચમાં હાર મળી છે અને ૬ મૅચ ડ્રૉ રહી છે, જ્યારે બંગલાદેશ અહીં બન્ને ટેસ્ટ-મૅચ હાર્યું છે. હોમ ઑફ ક્રિકેટ ગણાતા આ મેદાન પર ત્રીજી ટેસ્ટ-મૅચમાં એક અલગ લેવલનો રોમાંચ હશે, કારણ કે બન્ને ટીમ સિરીઝમાં લીડ મેળવવાનો ટાર્ગેટ રાખી રહી છે.