બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૪૫ રન

12 July, 2025 10:13 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૩૮૭ રને ઑલઆઉટ થયું : બીજા દિવસના અંતે ભારતનો સ્કોર ૩ વિકેટે ૧૪૫ રન : યજમાન ટીમ પાસે હજી ૨૪૨ રનની લીડ : વિદેશી ધરતી પર ટેસ્ટ-ક્રિકેટમાં ભારત માટે જસી ઇઝ ધ ગ્રેટ

બૉલને સ્ટમ્પ્સ સાથે અથડાતો રોકવા માટે પગનો ઉપયોગ કરવો પડ્યો ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટર જેમી સ્મિથે

લૉર્ડ્‍સ ટેસ્ટ-મૅચનો બીજો દિવસ પહેલાની સરખામણીમાં વધુ વાર રસપ્રદ રહ્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમે શતકવીર જો રૂટની સાથે જેમી સ્મિથ અને બ્રાયડન કાર્સની ફિફ્ટીની મદદથી ૧૧૨.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૩૮૭ રન કર્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના રેકૉર્ડ-પ્રદર્શન બાદ ભારતીય ટીમના બૅટર્સે એકંદરે સારી શરૂઆત કરીને બીજા દિવસના અંતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટીમનો સ્કોર ૧૪૫ રન કર્યો હતો. ઇંગ્લૅન્ડની ટીમ સામે હજી ૨૪૨ રનની લીડ બાકી છે.

શતકવીર જો રૂટને ટેસ્ટમાં અગિયારમી વાર આઉટ કરવાના ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સના રેકૉર્ડની બરાબરી કરી જસપ્રીત બુમરાહે

ઇંગ્લૅન્ડે ૮૪મી ઓવરમાં ૨૫૧-૪ના સ્કોરથી બીજા દિવસની રમતની શરૂઆત કરી હતી. ૧૦ ફોર ફટકારનાર જો રૂટ (૧૯૯ બૉલમાં ૧૦૪ રન)એ પોતાની ૩૭મી ટેસ્ટ સદી ફટકારી એના થોડા જ સમયમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગને કારણે ઇંગ્લૅન્ડે ૩ ઓવરના સમયગાળામાં અગિયાર રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન બેન સ્ટોક્સ (૧૧૦ બૉલમાં ૪૪ રન) અને ક્રિસ વૉક્સ (એક બૉલમાં ઝીરો) સાથે અનુભવી બૅટર જો રૂટની વિકેટથી ઇંગ્લૅન્ડ બૅકફુટ પર આવ્યું હતું.

ભારતીય ફીલ્ડર્સે છોડેલા ઑલમોસ્ટ ત્રણ કૅચનો ફાયદો ઉઠાવીને વિકેટકીપર જેમી સ્મિથ (૫૬ બૉલમાં ૬૧ રન) અને પૂંછડિયો બૅટર બ્રાયડન કાર્સ (૮૩ બૉલમાં ૫૬ રન)એ આઠમી વિકેટ માટે ૧૧૪ બૉલમાં ૮૪ રનની ભાગીદારી કરીને સ્કોર ૩૫૦ રનને પાર પહોંચાડ્યો હતો.  મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (૭૪ રનમાં પાંચ વિકેટ), મોહમ્મદ સિરાજ (૮૫ રનમાં બે વિકેટ) અને નીતીશ કુમાર રેડ્ડી (૬૨ રનમાં બે વિકેટ) સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજા (૨૯ રનમાં એક વિકેટ)ને પહેલી ઇનિંગ્સમાં સફળતા મળી હતી.

બીજા દિવસે વિકેટ લીધા બાદ મોહમ્મદ સિરાજે કાર-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનાર પોર્ટુગલના ફુટબૉલર ડિઓગો જોટાને શ્રદ્ધાંજલિ આપી હતી

૧૩ રનના સ્કોર પર ઓપનર યશસ્વી જાયસવાલ (૮ બૉલમાં ૧૩ રન)ની વિકેટ ગુમાવ્યા બાદ અન્ય ઓપનર કે. એલ. રાહુલ (૧૧૩ બૉલમાં ૫૩ રન અણનમ)એ બીજી વિકેટ માટે કરુણ નાયર (૬૨ બૉલમાં ૪૪ રન) સાથે ૬૧ રનની ભાગીદારી કરીને બાજી સંભાળી હતી. કૅપ્ટન શુભમન ગિલ (૪૪ બૉલમાં ૧૬ રન)ની વિકેટ બાદ ઇન્જર્ડ વાઇસ-કૅપ્ટન રિષભ પંતે (૩૩ બૉલમાં ૧૯ રન અણનમ) મેદાનમાં ઊતરવું પડ્યું હતું. ઇંગ્લૅન્ડ તરફથી ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (બાવીસ રનમાં એક વિકેટ) અને ક્રિસ વૉક્સ (૫૬ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી. 

ભારતીય બોલરો સામે રન બનાવવા સરળ નથી: ઑલી પોપ

ઇંગ્લૅન્ડનો ૨૭ વર્ષનો બૅટર ઑલી પોપ પહેલી ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સનો શતકવીર હતો, પણ છેલ્લી ચાર ઇનિંગ્સથી તે ૫૦ પ્લસ રન કરી શક્યો નથી. લૉર્ડ્‍સ ટેસ્ટમાં પહેલા દિવસે ૪૪ રને આઉટ થનારા ઑલી પોપે ઇંગ્લૅન્ડની ડિફેન્સિવ બૅટિંગનો બચાવ કરીને ભારતીય બોલર્સની પ્રશંસા પણ કરી હતી.

આ એવી પિચ નથી જેના પર તમે મુક્તપણે રમી શકો એમ જણાવતાં ઑલી પોપે કહ્યું, ‘ભારતીય બોલરોએ તેમની લેન્થ જાળવી રાખી. એ જરૂરી નથી કે અમે પહેલી ઇનિંગમાં જે રીતે બૅટિંગ કરી હતી એવી જ રીતે બૅટિંગ કરીએ. અમારે પરિસ્થિતિઓ અનુસાર રમવું પડશે. અમે પિચની પ્રકૃતિ અનુસાર બૅટિંગ કરી. આ ઉપરાંત ભારતીય બોલરોએ પણ સારી બોલિંગ કરી અને તેમની સામે રન બનાવવાનું કામ સરળ નથી.’ 

1000

આટલા ટેસ્ટ-રન ફાસ્ટેસ્ટ ૧૩૦૩ બૉલમાં ફટકારનાર વિકેટકીપર બન્યો જેમી સ્મિથ. પાકિસ્તાનના સરફરાઝ અહમદ (૧૩૧૧ બૉલ)નો રેકૉર્ડ તોડ્યો.

india england test cricket cricket news sports sports news indian cricket team shubman gill kl rahul Rishabh Pant yashasvi jaiswal karun nair nitish kumar reddy ravindra jadeja washington sundar akash deep jasprit bumrah mohammed siraj ben stokes joe root