30 June, 2025 10:20 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રસિદ્ધ ક્રિષ્ના
હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જેમ પાંચ-પાંચ વિકેટ તો લીધી, પણ સૌથી વધુ ૨૨૦ રન આપી દીધા હતા. તેણે બન્ને ઇનિંગ્સમાં ૬ પ્લસની ઇકૉનૉમીથી રન આપવાનો શરમજનક રેકૉર્ડ પણ કર્યો હતો.
ઇંગ્લૅન્ડના બૅટર્સે તેની કુલ ૩૫ ઓવરમાં બરાબર રન લૂંટ્યા હતા. બૅન્ગલોરના ૨૯ વર્ષના બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેના ખરાબ પ્રદર્શન અંગે કહ્યું હતું કે ‘મેં ચોક્કસપણે મારી ઇચ્છિત લેન્થ પ્રમાણે બોલિંગ નહોતી કરી. હું એની સંપૂર્ણ જવાબદારી લઉં છું અને કદાચ આગલી વખતે વધુ સારી રીતે બોલિંગ કરીશ. જ્યારે પણ હું બોલિંગ કરવા માટે આવું છું ત્યારે હું ચોક્કસપણે મેઇડન ઓવર ફેંકવા માગું છું. હું ખરેખર બાઉન્ડરી કે કંઈ પણ આપવાનો પ્રયાસ કરતો નથી. આઉટફીલ્ડ ઝડપી હતું. પ્રામાણિકતાથી કહું તો મેં જે લેન્થ અને લાઇન ફેંકી હતી એ મોટા ભાગે સંપૂર્ણ નહોતી.’
પ્રસિદ્ધ ક્રિષ્નાએ ખુલાસો કર્યો હતો કે ઝડપી પવન અને વરસાદને કારણે પણ બોલરોના પ્રદર્શન પર અસર થાય છે. હેડિંગ્લી ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં ભારતના પૂંછડિયા બૅટર્સ વધુ ટકી શક્યા નહોતા એટલે હવે નીચલા ક્રમના બૅટર્સ આગામી ટેસ્ટ-મૅચ માટે નેટ્સ સેશનમાં ખૂબ મહેનત કરી રહ્યા છે.