રન બનાવવા એટલા સરળ નથી જેટલા લાગતા હોય છે

11 February, 2025 07:47 AM IST  |  Cuttack | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩૪૦ દિવસ બાદ અને વન-ડેમાં ૪૮૬ દિવસ બાદ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા કહે છે...

મૅચ બાદ ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી સાથે મસ્તી-મજાક કરી રોહિત શર્માએ.

કટકના મેદાન પર ૯૦ બૉલમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ૧૧૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં માર્ચ ૨૦૨૪ બાદ અને વન-ડે ફૉર્મેટમાં ઑક્ટોબર ૨૦૨૩ બાદ પહેલી વાર સેન્ચુરી ફટકારી છે. ૭૬ બૉલમાં સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા કટકમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક વિડિયોમાં રોહિત શર્મા કહે છે, ‘હું ઘણા સમયથી રમી રહ્યો છું અને મને ખબર છે કે મારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે. મારા મનમાં ફક્ત એક જ વાત હતી કે મારે જે રીતે બૅટિંગ કરવી જોઈએ એ રીતે બૅટિંગ કરીશ. એક કે બે ઇનિંગ્સથી મારો મત બદલાશે નહીં. આ પણ બીજી કોઈ પણ ઇનિંગ્સ જેવી જ હતી. મેં કંઈક સારું કર્યું હશે એથી જ આટલા બધા રન બનાવ્યા છે. મારે ફક્ત એ માનસિકતામાં પાછા આવવાની જરૂર હતી. રન બનાવવા એટલા સરળ નથી જેટલા લાગે છે. મને આ રમત બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ ગમે છે એટલે હું રમી રહ્યો છું. તમારે તમારી ભૂમિકા ભજવવી પડશે. અમારું કામ મેદાનમાં જઈને રમવાનું છે.’

india england rohit sharma cuttack board of control for cricket in india indian cricket team cricket news sports news sports