એક ટેસ્ટ-મૅચમાં પહેલી વાર ટીમ ઇન્ડિયાએ કર્યા ૧૦૦૦+ રન

06 July, 2025 11:06 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સ ૪૨૭/૬ના સ્કોરે ડિક્લેર કરીને ભારતે આપ્યો ૬૦૮ રનનો ટાર્ગેટ : ચોથા દિવસના અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે ૭૨, છેલ્લા દિવસે જીતવા માટે ૯૦ ઓવરમાં જોઈએ ૫૩૬ રન

બીજી ઇનિંગ્સમાં ૧૩ ફોર અને ૮ સિક્સ ફટકારીને ૧૬૨ બૉલમાં ૧૬૧ રનની ઇનિંગ્સ રમી હતી શુભમન ગિલે.

શુભમન ગિલ એક મૅચમાં ૨૫૦+ અને ૧૫૦+ રનની ઇનિંગ્સ રમનાર પહેલો પ્લેયર બન્યો, ભારત માટે એક ટેસ્ટમાં હાઇએસ્ટ ૩૭૮ રનની ભાગીદારી કરી ગિલ-જાડેજાએ : મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે ફરી ટૉપ ઑર્ડરને આઉટ કરીને ભારતને ધમાકેદાર શરૂઆત અપાવી

બર્મિંગહૅમ ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ૬૦૮ રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૫૮૭ રન કર્યા બાદ ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૪૨૭ રનના સ્કોરે ત્રીજા સેશનમાં બીજી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ભારતીય કૅપ્ટન શુભમન ગિલે પહેલી ઇનિંગ્સમાં ૨૬૯ રન ફટકાર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૬૧ રન કરીને ઘણા ઐતિહાસિક રેકૉર્ડ કર્યા છે. પહેલી ઇનિંગ્સમાં ૪૦૭ રન કરનાર ઇંગ્લૅન્ડની ટીમે ચોથા દિવસના અંતે ૧૬ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા દિવસે ભારતને જીતવા માટે ૭ વિકેટ અને ઇંગ્લૅન્ડને ૫૩૬ રનની જરૂર છે.

ચોથા દિવસે ભારતે ૧૪મી ઓવરમાં ૧ વિકેટે ૬૪ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. દિવસની શરૂઆતમાં અનુભવી બૅટર્સ કરુણ નાયર (૮૪ બૉલમાં ૫૫ રન) અને કે. એલ. રાહુલ (૪૬ બૉલમાં ૨૬ રન)ની વિકેટ પડ્યા બાદ કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટને ભારતની ઇનિંગ્સ સંભાળી હતી. ૧૩ ફોર અને ૮  સિક્સર ફટકારનાર શુભમન ગિલે (૧૬૨ બૉલમાં ૧૬૧ રન)  રિષભ પંત (૫૮ બૉલમાં ૬૫ રન) સાથે  પાંચમી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી કરી હતી. પંત ૮ ફોર અને ૩ સિક્સરની મદદથી ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો.

ગિલે છઠ્ઠી વિકેટ માટે અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૧૧૮ બૉલમાં ૬૯ રન અણનમ) સાથે છઠ્ઠી વિકેટ માટે ૧૭૫ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૪૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં બન્નેએ છઠ્ઠી વિકેટ માટે ૨૦૩ રનની ભાગીદારી કરી હતી. ભારત માટે એક ટેસ્ટમાં હાઇએસ્ટ ૩૭૮ રનની પાર્ટનરશિપ કરનાર જોડી બની હતી. વૉશિંગ્ટન સુંદર (સાત બૉલમાં ૧૨ રન અણનમ) બૅટિંગ માટે ઊતર્યો એના થોડા સમયમાં જ ભારતે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડ તરફથી ફાસ્ટ બોલર જોશ ટોન્ગ (૯૩ રનમાં બે વિકેટ) અને સ્પિનર શોએબ બશીર (૧૧૯ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. ઇંગ્લૅન્ડના ફીલ્ડર્સે ૩ કૅચ છોડ્યા હતા.

એક ટેસ્ટ-મૅચમાં ૪૦૦ પ્લસ રન ફટકારનાર પહેલો ભારતીય બન્યો શુભમન ગિલ, બીજા કયા-કયા રેકૉર્ડ તોડ્યા?

 એક ટેસ્ટ-મૅચમાં ૨૫૦ પ્લસ અને ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર વિશ્વનો પહેલો પ્લેયર બન્યો શુભમન ગિલ.

 ભારતીય તરીકે એક ટેસ્ટ-મૅચમાં ૪૦૦ પ્લસ રન કરનાર પહેલો ભારતીય બન્યો, સુનીલ ગાવસકરનો (૧૯૭૧) વેસ્ટ ઇન્ડીઝ સામેનો હાઇએસ્ટ ૩૪૪ રનનો રેકૉર્ડ તોડ્યો.

 ટેસ્ટ-ઇતિહાસમાં કૅપ્ટન અને પ્લેયર તરીકે બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો, માત્ર ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગૂચ (૧૯૯૦) ૪૫૬ રન સાથે તેની આગળ છે.

 પહેલી બે ટેસ્ટમાં ૫૦૦ પ્લસ રન કરનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો શુભમન ગિલ.

 ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ રન કરવાનો વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાનો ૨૦૦૪નો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડ્યો.

 ઇંગ્લૅન્ડ સામે એની જ ધરતી પણ એક ટેસ્ટમાં સૌથી વધુ રન કરવાનો સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ (૩૬૨ રન)નો ૨૦૦૩નો રેકૉર્ડ તોડ્યો.

 તે ભારત માટે એક ટેસ્ટમાં ૧૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર સુનીલ ગાવસકર (૧૯૭૮) અને વિરાટ કોહલી (૨૦૧૪) બાદ ત્રીજો ભારતીય કૅપ્ટન બન્યો.

 ઇંગ્લૅન્ડ સામે એક ટેસ્ટ-મૅચમાં બે સદી કરનાર તે પહેલો ભારતીય અને ઓવરઑલ ત્રીજો કૅપ્ટન બન્યો. ૨૦૨૫માં પહેલી વાર કોઈ કૅપ્ટને અંગ્રેજ ટીમ સામે ટેસ્ટમાં બે સદી કરી.

બર્મિંગહૅમ ટેસ્ટમાં શુભમન ગિલ

રન

૪૩૦

બૉલ

૫૪૯

ફોર

૪૩

સિક્સ

૧૧

સ્ટ્રાઇક-રેટ

૭૮.૩૨

વર્ષમાં એક ટીમે ટેસ્ટમાં ફટકાર્યા ૧૦૦૦ પ્લસ રન

ટેસ્ટ ઇતિહાસમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા (બે વાર) અને સાઉથ આફ્રિકા બાદ ભારતે એક ટેસ્ટમાં ૧૦૦૦ રન કર્યા છે. છેલ્લે પાકિસ્તાને (૧૦૭૮ રન) ૨૦૦૬માં ભારત સામે ૧૦૦૦+ રન કર્યા હતા. ભારતના ૧૦૧૪ રન એક ટીમનો ચોથો સૌથી મોટો સ્કોર છે. ભારતે આ પહેલાં ૨૦૦૪માં ઑસ્ટ્રેલિયા સામે પોતાનો હાઇએસ્ટ ૯૧૬ રનનો સ્કોર કર્યો હતો.

india england test cricket cricket news indian cricket team shubman gill london sports news sports