વિમેન્સ એશિયા કપમાં આજે હૉન્ગકૉન્ગ સામે ભારતીય ટીમને બૅટિંગ-સમસ્યા દૂર કરવાનો મોકો

03 September, 2026 11:45 AM IST  |  Wales | Gujarati Mid-day Correspondent

પ્રથમ મૅચમાં થાઇલૅન્ડ સામે માત્ર ૨૯ રનમાં ૭ વિકેટ ગુમાવી હતી, શનિવારે પાકિસ્તાન સામેની ટક્કર પહેલાં આજે કરશે વૉર્મ-અપ

ભારતીય વિમેન્સ ટીમ

દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ચાલી રહેલા વિમેન્સ T20 એશિયા કપમાં આજે ભારતીય મહિલા ટીમની ટક્કર હૉન્ગકૉન્ગ સામે થવાની છે. ભારતીય ટીમે પ્રથમ મૅચમાં થાઇલૅન્ડને ૯૪ રનથી કચડી નાખ્યું હતું. હવે શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેના જંગ પહેલાં હરમપ્રીત કૌર ઍન્ડ કંપનીને આજે વધુ એક વૉર્મ-અપ અને બૅટિંગની નબળાઈઓ દૂર કરવાનો મોકો છે. 
વન-ડે ફૉર્મેટમાં ૪ અને T20 ફૉર્મેટમાં ૩ મળીને કુલ ૭ વાર એશિયા કપ જીતનારી ભારતીય ટીમ પ્રથમ મૅચમાં થાઇલૅન્ડ સામે પહેલી ઇનિંગ્સના બીજા ભાગમાં બૅટરોના ધબડકાને લીધે થોડીક મુશ્કેલીમાં મુકાઈ હતી. ૨૦૦ પ્લસના સ્કોર તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમ ૨૯ રનમાં ૭ વિકેટ ગુમાવતાં ૧૫૯ રનના સ્કોર સુધી જ સીમિત રહી હતી. જોકે બોલરોના દમ પર ટીમે આખરે મસમોટી જીત મેળવી લીધી હતી. પહેલી મૅચમાંથી બોધપાઠ લઈને ટીમે હવે શનિવારે છેલ્લી લીગ મૅચમાં પાકિસ્તાન અને ત્યાર બાદ નૉક-આઉટ રાઉન્ડ પહેલાં બૅટિંગની સમસ્યા સમસસર નિવારી લેવી પડશે. 
T20 ક્રિકેટમાં ભારતીય સિનિયર મહિલા ટીમ પહેલી જ વાર હૉન્ગકૉન્ગ સામે રમશે. હૉન્ગકૉન્ગને પહેલી મૅચમાં થાઇલૅન્ડ સામે માત્ર ૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એમાં તેની ઑલરાઉન્ડર મરિના લૅમ્પલોએ ૪ ઓવરમાં ૧૧ રનમાં ૪ વિકેટ લઈને ધ્યાન ખેચ્યું હતું. ભારતીય બૅટરોએ આજે તેની સામે ખાસ સાવચેત રહેવું પડશે. 
એશિયા કપ પછી ભારતીય ટીમ જપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને એ પહેલાં ખાસ કરીને નિરાશાજનક T20 વર્લ્ડ કપને ભૂલીને સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં આવવું જરૂરી છે. ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત કૌરે. ઘણા સમયથી કોઈ મોટી ઇનિંગ્સ ન રમનાર હરમનપ્રીત થાઇલૅન્ડ સામે પણ માત્ર પાંચ રન બનાવી શકી હતી. ઉપરાંત જેમિમા રૉડ્રિગ્સની ઇન્જરીને લીધે તક મેળવનાર પ્રતિકા રાવલે ટીમમાં સ્થાન મજબૂત કરવા મોટી ઇનિંગ્સ રમવી જરૂરી છે.

t20 india hong kong asia cup team india indian womens cricket team cricket news sports news sports