26 June, 2026 11:12 AM IST | Belfast | Gujarati Mid-day Correspondent
ભારતના T20 કૅપ્ટન શ્રેયસ ઐયરની ભારતીય ટીમ સાથે પહેલી મીટિંગ
શ્રેયસ ઐયરની આગેવાનીમાં આજથી ભારતીય ટીમની આયરલૅન્ડ સામે બેલફાસ્ટમાં બે T20 મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. ૨૬ જૂન અને ૨૮ જૂનની આ T20 મૅચો ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગ્યે શરૂ થશે. આજની મૅચમાં નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયર અને સંભવિત ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત અને આયરલૅન્ડ વચ્ચે ૧૧ મૅચ રમાઈ છે એ તમામમાં ભારતની જીત થઈ છે. ૨૦૦૭, ૨૦૧૧ અને ૨૦૧૫માં બન્ને ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચ રમાઈ હતી એમાં ભારતે અનુક્રમે ૯ વિકેટ, પાંચ વિકેટ અને ૮ વિકેટે જીત મેળવી હતી.
ભારત અને આયરલૅન્ડ વચ્ચે ૨૦૦૯થી ૨૦૨૪ વચ્ચે ૮ T20 મૅચ રમાઈ છે અને એ તમામમાં ભારતની જીત થઈ છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી ટક્કર વર્ષ ૨૦૨૪માં પાંચ જૂને ન્યૂ યૉર્કમાં થઈ હતી. T20 વર્લ્ડ કપની આ મૅચમાં આયરલૅન્ડનો ૯૭ રનનો ટાર્ગેટ ભારતે ૪૬ બૉલ પહેલાં ચેઝ કરીને ૮ વિકેટે મૅચ જીતી હતી.
બન્ને ટીમ વચ્ચે ૨૦૧૮, ૨૦૨૨માં બે-બે મૅચની અને વર્ષ ૨૦૨૩માં ત્રણ મૅચની સિરીઝ રમાઈ હતી. આ ત્રણેય સિરીઝ આયરલૅન્ડમાં જ રમાઈ હતી.
રાજસ્થાનના ટોંકનો રહેવાસી જય મુન્દ્રા આજે આયરલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે. ૨૦૨૧માં ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્યુનિકેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે જય મુન્દ્રા આયરલૅન્ડ શિફ્ટ થયો હતો. પછીથી તે ડબલિનમાં લેઇન્સ્ટર ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો.
શરૂઆતમાં આ ૨૯ વર્ષનો ડાબોડી પેસ બોલર ડાબા હાથે સ્પિન બોલિંગ કરતો હતો. સમય જતાં તે ઝડપી બોલિંગ તરફ વળ્યો. તેણે એક ફર્સ્ટ-ક્લાસ મૅચ, છ લિસ્ટ-A મૅચ અને પાંચ T20 મૅચ રમી છે.
ટીમ ઇન્ડિયાના નવા T20 કૅપ્ટન શ્રેયસ ઐયરે હાલમાં ઇન્સ્ટાગ્રામના બાયોમાં એક રહસ્યમય વાક્ય ઉમેર્યું છે. તેણે ગયા વર્ષની ૨૫ ડિસેમ્બરની તારીખને પોતાની બીજી જન્મતારીખ ગણાવી હતી. ૩૧ વર્ષના આ શાનદાર બૅટરે આ અપડેટનો અર્થ જાહેર કર્યો નથી. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમ્યાન થયેલી જીવલેણ ઇન્જરીમાંથી સ્વસ્થ થવા સાથે સંબંધિત હોઈ શકે છે. ૨૫ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામેની સિડની વન-ડેમાં કૅચ પકડીને મેદાન પર પટકાયેલા શ્રેયસ ઐયરને બરોળના ભાગમાં જીવલેણ બની શકે એવી ઇન્જરી થઈ હતી.