આયરલૅન્ડ સામે પહેલી વખત T20 સિરીઝ હાર્યું ભારત, ૧૬ T20 સિરીઝથી અપરાજિત રહેવાનો સિલસિલો અટક્યો

29 June, 2026 11:00 AM IST  |  Belfast | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડના ૧૫૫ રનના ટાર્ગેટ સામે ભારત ૯ વિકેટે ૧૫૩ રન કરીને એક રને હાર્યું

T20 વર્લ્ડ ચૅમ્પિયન ભારત સામે ઐતિહાસિક બે મૅચની T20 સિરીઝ જીત્યા બાદ સેલિબ્રેશન કરી રહેેલા આયરલૅન્ડના ખેલાડીઓ.

બેલફાસ્ટમાં T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતે શરમજનક સિરીઝ હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સામે અગાઉ ત્રણ T20 સિરીઝ હારનાર આયરલૅન્ડે ભારત સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી બે મૅચ જીતીને પહેલી વખત કોઈ સિરીઝ જીતી છે. આયરલૅન્ડના ૧૫૪/૮ના સ્કોર સામે શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતે ૨૦ ઓવરમાં ૧૫૩/૯ કરીને એક રને હાર્યું હતું.
ભારત છેલ્લે ઑગસ્ટ ૨૦૨૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે T20 સિરીઝ હાર્યું હતું. ત્યાર બાદ ભારત એશિયન ગેમ્સ, એશિયા કપ, બે T20 વર્લ્ડ કપ, ૧૧ સિરીઝ જીત અને એક ડ્રૉ સિરીઝને કારણે સતત ૧૬ T20 સિરીઝથી અપરાજિત હતું.  

આયરલૅન્ડ તરફથી હૅરી ટેક્ટરે ૪૭ બૉલમાં ૫૩ રન અને બેન્જામિન કેલિટ્ઝે ૨૩ બૉલમાં ૩૭  રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી નવોદિત પ્રિન્સ યાદવે ૪ ઓવરમાં બાવીસ રન આપીને ૩ વિકેટ લીધી હતી. શિવમ દુબે અને અર્શદીપ સિંહને ૨-૨ વિકેટ મળી હતી.

રન-ચેઝ દરમ્યાન ઓપનર્સના ફ્લૉપ શૉને કારણે ભારતે ૪.૫ ઓવરમાં ૩૫ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી હતી. વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ ૪૬ બૉલમાં ૩ ફોર અને એક સિક્સના આધારે પંચાવન રન કર્યા હતા. રાજસ્થાનમાં જન્મેલા ફાસ્ટ બોલર જય મુન્દ્રાની ઓવરમાં રન-આઉટ સહિત ભારતની પહેલી ચાર વિકેટ પડી હતી. તેણે ચાર ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ પોતાને નામે કરી હતી.

અંતિમ ઓવરમાં સ્પિનર હૅરી ટેક્ટર સામે જીત માટે ભારતને ૨૦ રનની જરૂર હતી અને બે વિકેટ બચી હતી. બે વાઇટ બૉલ, એક નો-બૉલ, એક ફોર, ત્રણ સિંગલ રન, પાંચ બૉલે હર્ષિત રાણાની વિકેટ અને અંતિમ બૉલે પ્રિન્સ યાદવના સિક્સને કારણે મૅચનો રોમાંચક અંત આવ્યો હતો.

સૂર્યાંશ શેડગે, પ્રિન્સ યાદવે કર્યું ડેબ્યુ; વૈભવ સૂર્યવંશીને ફરી ન મળી તક

આયરલૅન્ડ સામેની બીજી T20 મૅચમાં વૉશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્નાને બેન્ચ પર બેસાડીને બે નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી હતી. ભારતના T20 પ્લેયર તરીકે સૂર્યાંશ શેડગેને ૧૨૦ નંબર અને પ્રિન્સ યાદવને ૧૨૧ નંબરની કૅપ મળી હતી.

ડૉમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ માટે અને IPLમાં પંજાબ કિંગ્સ માટે રમતા ૨૩ વર્ષના ઑલરાઉન્ડર સૂર્યાંશ શેડગેનું આ ઇન્ટરનૅશનલ ડેબ્યુ હતું. દિલ્હીમાં જન્મેલો ૨૪ વર્ષનો પ્રિન્સ યાદવ અફઘાનિસ્તાન સામે વન-ડે સિરીઝમાં ડેબ્યુ કરીને બે મૅચમાં ત્રણ વિકેટ લઈ ચૂક્યો છે.

૧૫ વર્ષના ધુરંધર બૅટર વૈભવ સૂર્યવંશીને સતત બીજી મૅચમાં ડેબ્યુની તક મળી નહોતી. ૧ જુલાઈથી શરૂ થતી યજમાન ઇંગ્લૅન્ડ સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળે એવી સંભાવના છે.

ireland india indian cricket team team india t20 international t20 cricket news sports sports news sanju samson abhishek sharma ishan kishan shreyas iyer tilak varma axar patel shivam dube harshit rana arshdeep singh prince yadav