27 June, 2026 01:14 PM IST | Belfast | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનમાં જન્મેલા ૨૯ વર્ષના ડાબોડી ફાસ્ટ બોલરે પોતાની ઓવરના પહેલા જ બૉલ પર સંજુ સૅમસનને બોલ્ડ કર્યો હતો.
શ્રેયસ ઐયરના કૅપ્ટન્સી યુગની શરૂઆત હાર સાથે થઈ, વૈભવ સૂર્યવંશીને ન રમાડવું ભારે પડ્યું. બેલફાસ્ટમાં ગઈ કાલે યજમાન આયરલૅન્ડ સામે ભારતને પહેલી મૅચમાં ૩૪ રને હારનો સામનો કરવો પડ્યો. અગાઉ ત્રણ વન-ડે અને આઠ T20માં હાર્યા બાદ આયરલૅન્ડે પહેલી વખત ભારત સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં જીત નોંધાવી હતી. આયરલૅન્ડે ૯ વિકેટ ગુમાવીને ૧૮૨ રન કર્યા હતા. જવાબમાં વર્લ્ડ કપ વિજેતા ભારતે ૧૮.૫ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૧૪૮ રન કર્યા હતા.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર આયરલૅન્ડ માટે નવા રેગ્યુલર કૅપ્ટન લૉર્કન ટકરે ૩૬ બૉલમાં પાંચ ફોર, બે સિક્સને આધારે ૫૦ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમીને ગેરેથ ડેલનીએ ૩૨ બૉલમાં ૩ ફોર, ૩ સિક્સને આધારે ૪૯ રન કર્યા હતા.
ઇન્જરીઓને કારણે લગભગ પાંચ મહિના મેદાનથી દૂર રહેનારા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ૨૪ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને બે-બે વિકેટ મળી હતી.
રન-ચેઝ સમયે ઓપનર અભિષેક શર્માએ ૧૯ બૉલની ફિફ્ટીથી શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ૨૫૦ના સ્ટ્રાઇક-રેટથી ૨૦ બૉલમાં ૭ ફોર અને બે સિક્સને આધારે ૫૦ રન કર્યા હતા. ૩૩મી વર્ષગાંઠે શિવમ દુબેએ એક વિકેટ લેવાની સાથે ૧૪ બૉલમાં ૨૫ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આયરલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર્સ મૅથ્યુ હૉલાર્ડે ૨૮ રન આપીને ત્રણ વિકેટ અને જય મુન્દ્રાએ ૨૬ રન આપીને બે વિકેટ લઈ ભારતની બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. ડાબોડી ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ પહેલા જ બૉલ પર સંજુ સૅમસનને બોલ્ડ કર્યો હતો. યંગ સ્પિનર મૅથ્યુ હમ્ફ્રીઝે પણ ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટો લીધી હતી.
રેકૉર્ડ ૬૩ મૅચ ચૂક્યા બાદ કૅપ્ટન તરીકે શ્રેયસ ઐયરનું કમબૅક
T20 ઇન્ટરનૅશનલ સતત સૌથી વધુ મૅચ ગુમાવ્યા બાદ કૅપ્ટન તરીકે કમબૅક કરવાનો રેકૉર્ડ હવે મુંબઈકર શ્રેયસ ઐયરને નામે થયો છે. તેણે ૨૦૨૩થી ૨૦૨૬ વચ્ચે ૬૩ T20 મૅચ ગુમાવ્યા બાદ કમબૅક તરીકે ભારતના કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યું છે. અગાઉ ન્યુ ઝીલૅન્ડના ટૉમ લૅધમે ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે ૪૭ મૅચ ચૂક્યા બાદ કૅપ્ટન તરીકે મેદાન પર વાપસી કરી હતી.
ભારત માટે પ્લેયર તરીકે સૌથી વધુ T20 મૅચ રમ્યા બાદ કૅપ્ટન બનવાનો રોહિત શર્માનો ૮૦ મૅચનો રેકૉર્ડ પણ તૂટ્યો છે. ભારત રેકૉર્ડ ૧૧૪ T20 મૅચ રમ્યા બાદ શ્રેયસ ઐયર પહેલી વખત કૅપ્ટન બન્યો છે.
સતત બે T20 મૅચમાં ૧૨૫ રન આપી દીધા પ્રસિદ્ધ ક્રિષ્નાએ
ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ સતત બે T20 ઇન્ટરનૅશનલ મૅચમાં સૌથી વધુ ૧૨૫ રન આપવાનો અનિચ્છનીય રેકૉર્ડ કર્યો છે. ગઈ કાલે તેણે આયરલૅન્ડ સામે એક ઓવરમાં ૨૭ રન પણ આપ્યા હતા. તેણે આયરલૅન્ડ સામે વિકેટ વિના ૫૭ રન આપ્યા હતા. ૨૦૨૩ની છેલ્લી ઑસ્ટ્રેલિયા સામેની T20 મૅચમાં તેણે વિકેટલેસ રહીને ૬૮ રન આપ્યા હતા.