13 June, 2026 05:50 PM IST | Ireland | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધરમશાલામાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો નવો T20 કૅપ્ટન શ્રેયસ ઐયર.
આયરલૅન્ડમાં ભારતીય ટીમ ૨૬ અને ૨૮ જૂને બે T20 મૅચની સિરીઝ રમવા જશે. જોકે આ ટૂરના આયોજન પર જોખમ ઊભું થયું છે. ભારત જ્યાં સિરીઝ રમવાનું છે એ બેલફાસ્ટમાં ઘરો અને વાહનોમાં આગ લગાવીને અસામાજિક તત્ત્વો અશાંતિ ફેલાવી રહ્યાં છે. છરી વડે હુમલા થઈ રહ્યા છે અને જાહેર પરિવહન બંધ રાખવામાં આવ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણની બહાર રહેશે તો ભારતીય ટીમની આયરલૅન્ડ ટૂર રદ થઈ શકે છે.
ક્રિકેટ આયરલૅન્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘હાલમાં અમે અશાંતિનો અનુભવ કરી રહેલા વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને આગામી ૪૮ કલાકમાં આ રવિવારે યોજાનારી આયરિશ સિનિયર કપ અને નૅશનલ કપ મૅચો વિશે નિર્ણય લઈશું. અમે સંબંધિત અધિકારીઓ અને અમારા પ્રાંતીય યુનિયનો સાથે સતત સંપર્કમાં છીએ. ખેલાડીઓ, કોચ, મૅચના અધિકારીઓ અને સમર્થકોની સલામતી અને સુરક્ષા અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમને વધુ માહિતી મળતાંની સાથે જ અમે તેમનો સંપર્ક કરીશું.’