છેલ્લા બાવન બૉલે ભારતની બાજી બગાડી

30 November, 2021 10:13 AM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

ભારતીય મૂળના બે કિવીઓ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે જ ન જીતવા દીધા ઃ તેમની ૧૦મી વિકેટની ૧૦ રનની અતૂટ ભાગીદારી છેવટે રહાણે ઍન્ડ કંપનીને નડી ગઈ ઃ એ પહેલાં નાઇટ-વૉચમૅન વિલિયમ સમરવિલ વિઘ્ન બન્યો

કાનપુરની ટેસ્ટમાં ગઈ કાલે આખરી પળોમાં બે લેફ્ટ-હૅન્ડ બૅટર્સ રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલ ભારતીય ફીલ્ડરોના ઘેરા વચ્ચે લગભગ નવ ઓવર સુધી ક્રીઝ પર ટકી રહ્યા હતા.

ભારતને ગઈ કાલે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રોમાંચક જીત મેળવવાની અમૂલ્ય તક મળી હતી, પરંતુ કિવીઓની ટીમમાંના ભારતીય મૂળના જ બે પૂંછડિયા ખેલાડીઓ રાચિન રવીન્દ્ર (૧૮ અણનમ, ૯૧ બૉલ, ૯૧ મિનિટ, બે ફોર) અને એજાઝ પટેલે (૨ અણનમ, ૨૩ બૉલ, ૨૯ મિનિટ) બાવન બૉલની ભાગીદારીથી ટીમ ઇન્ડિયાને વિજયથી વંચિત રાખી હતી અને મૅચ ડ્રૉમાં જતાં બે મૅચની સિરીઝ ૦-૦થી સમાન રહી હતી. હવે ૩ ડિસેમ્બરે મુંબઈના વાનખેડેમાં શરૂ થનારી બીજી અને આખરી ટેસ્ટ મૅચ નિર્ણાયક બનશે.
ભારતે ૨૮૪ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમનો સ્કોર આખરી દિવસની રમત પૂરી થઈ ત્યારે (૯૮મી ઓવરના અંતે) ૯ વિકેટે ૧૬૫ રન હતો. ભારત માત્ર એક વિકેટ માટે આ વિજય ચૂકી ગયું હતું.
બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર અને લેફ્ટ-આર્મ સ્પિનર રાચિન રવીન્દ્રનો જન્મ ૧૯૯૯ની ૧૮ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટન શહેરમાં થયો હતો. તે મૂળ કર્ણાટકનો છે. તેના પિતાનું નામ રવિ ક્રિષ્નમૂર્તિ અને મમ્મીનું નામ દીપા છે. ૧૯૯૦ના દાયકામાં રવિ અને દીપા ન્યુ ઝીલૅન્ડમાં સ્થાયી થયાં હતાં. તેમના પુત્ર રાચિનનું નામ રાહુલ દ્રવિડ અને સચિનના નામ પરથી રખાયું છે.
રાચિનની પહેલી જ ટેસ્ટ હતી

રાચિન અને એજાઝ ડ્રૉ કરાવ્યા પછી પાછા આવ્યા બાદ તેમને ખૂબ શાબાશી મળી હતી

રાચિન રવીન્દ્રની આ પહેલી જ ટેસ્ટ-મૅચ હતી અને એમાં તે ન્યુ ઝીલૅન્ડને હારથી બચાવવામાં સફળ થયો હતો. તેને બન્ને દાવમાં વિકેટ નહોતી મળી અને પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત ૧૩ રન બનાવી શક્યો હતો, પરંતુ ગઈ કાલના બીજા દાવના અણનમ ૧૮ રન કિવીઓની ટેસ્ટ-ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાશે.
મુંબઈમાં જન્મેલો એજાઝ ઝળક્યો
ગઈ કાલે ભારતીય બોલરોને છેક સુધી હંફાવવામાં રાચિનને સાથ આપનાર સ્પિનર એજાઝ યુનુસ પટેલ ૩૩ વર્ષનો છે અને ઑક્ટોબર ૧૯૮૮માં તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે પહેલા દાવમાં બે અને બીજા દાવમાં એક વિકેટ લીધી હતી. તે ગઈ કાલે ૨૯ મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો અને ૨૩ બૉલમાં માત્ર બે રન બનાવ્યા હતા, પરંતુ તેણે તારણહાર બનીને રાચિનને જે રીતે છેક સુધી સાથ આપ્યો એ બદલ ક્રિકેટજગતમાં તેની ખૂબ વાહ-વાહ થઈ રહી છે.
૧૦ રનની મૅચ-સેવિંગ પાર્ટનરશિપ
રાચિન રવીન્દ્ર અને એજાઝ વચ્ચે ૧૦મી વિકેટ માટે બાવન બૉલમાં ૧૦ રનની અતૂટ અને મૅચ-સેવિંગ પાર્ટનરશિપ થઈ હતી. અમ્પાયરોએ નિર્ધારિત કરેલી છેલ્લી ઓવર સુધી બન્નએે નબળા પ્રકાશ વચ્ચે ભારતીય બોલરોને જરાય મચક નહોતી આપી અને મૅચને ડ્રૉ કરાવવામાં સફળ થયા હતા. જો ભારતે જીત મેળવી હોત તો આ વર્ષની મધ્યમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલનો ન્યુ ઝીલૅન્ડ સામે બદલો લઈ લીધો હોત.
સ્પિનરોની મહેનત એળે ગઈ
ભારતીય સ્પિનરો જેમાં ખાસ કરીને રવીન્દ્ર જાડેજા (૨૮-૧૦-૪૦-૪) અને રવિચન્દ્રન અશ્વિન (૩૦-૧૨-૩૫-૩) તેમ જ અક્ષર પટેલ (૨૧-૧૨-૨૩-૧)ની ગઈ કાલની બધી મહેનત પાણીમાં ગઈ હતી. રવીન્દ્ર જાડેજા પહેલા દાવમાં રાચિન રવીન્દ્રને આઉટ કરવામાં સફળ થયો હતો, પણ ગઈ કાલે પિચમાં જોઈએ એવી દાદ ન મળતાં બૉલ ખાસ કંઈ ટર્ન નહોતા થતા જેને કારણે તે રાચિનનો ફરી શિકાર નહોતો કરી શક્યો.
લૅથમના બાવન રન હાઇએસ્ટ
ઓપનર ટૉમ લૅથમ (બાવન રન, ૧૪૬ બૉલ, ૨૧૮ મિનિટ, ત્રણ ફોર)નો સ્કોર હાઇએસ્ટ હતો. ગઈ કાલે સવારે લૅથમની સાથે નાઇટ-વૉચમૅન સમરવિલે (૩૬ રન, ૧૧૦ બૉલ, ૧૨૫ મિનિટ, પાંચ ફોર) બીજી વિકેટ માટે ૧૯૪ બૉલમાં ૭૬ રનની ભાગીદારી કરી હતી. લૅથમે વિલિયમસન (૨૪ રન, ૧૧૨ બૉલ, ૧૩૯ મિનિટ, ત્રણ ફોર) સાથે ત્રીજી વિકેટ માટે ૧૧૬ બૉલમાં ૩૯ રનની પાર્ટનરશિપ કરી હતી.
રાચિનની કુલ ચાર ભાગીદારી
વિલિયમસને ચાર સાથીઓ સાથે નાની-મોટી ભાગીદારી કર્યા બાદ રાચિન રવીન્દ્રએ આઠમા નંબરે રમવા  આવ્યા પછી ટૉમ બ્લન્ડેલ સાથે પંચાવન બૉલમાં ૧૦ રનની, જૅમીસન સાથે ૪૬ બૉલમાં ૯ રનની, ટિમ સાઉધી સાથે ૨૦ રનમાં ૮ રનની અને છેલ્લે એજાઝ સાથે બાવન બૉલમાં અતૂટ ૧૦ રનની ભાગીદારી કરી હતી.

અમ્પાયરોએ બૅડ લાઇટને પગલે મૅચને થોડી વહેલી પૂર્ણ જાહેર કરી હતી.

sports sports news cricket news test cricket india new zealand