હૅમિલ્ટનમાં હતાશા, હવે ક્રાઇસ્ટચર્ચમાં પણ મેઘરાજા નડશે?

28 November, 2022 12:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બુધવારની છેલ્લી મૅચના દિવસે વરસાદની આગાહી છે

સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ

હૅમિલ્ટનમાં ગઈ કાલે વરસાદને કારણે ભારત અને ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને અને હજારો પ્રેક્ષકોને એટલી બધી પરેશાની થઈ કે છેવટે મૅચ અનિર્ણીત જાહેર થતાં બધાએ નિરાશ થવું પડ્યું હતું. ભારત સિરીઝમાં ૦-૧થી પાછળ છે અને હવે બુધવારે છેલ્લી મૅચના દિવસે ક્રાઇસ્ટચર્ચમાં પણ મેઘરાજા પરેશાન કરે તો નવાઈ નહીં, કારણકે એ દિવસે વરસાદ પડવાની આગાહી છે. શિખર ધવનની ટીમે સિરીઝ લેવલ કરવા બુધવારે જીતવું જ પડશે.

ગઈ કાલે હૅમિલ્ટનમાં શરૂઆતના વિઘ્ન બાદ છેવટે મૅચને ૨૯-૨૯ ઓવરની કરાઈ હતી અને શિખર ધવન (૧૦ બૉલમાં ૩ રન)ની મૅટ હેન્રીએ વિકેટ લીધી ત્યાર બાદ ઇન્ફૉર્મ ઓપનર શુભમન ગિલ (૪૫ અણનમ, ૪૨ બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (૩૪ અણનમ, પચીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) ફટકાબાજીથી પ્રેક્ષકોનું અને કરોડો ટીવીદર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા ત્યારે ૧૩મી ઓવરના પાંચમા બૉલ બાદ ફરી વરસાદ પડતાં રમત રોકી દેવાઈ હતી અને પછી ફરી રમત થઈ જ નહોતી અને મૅચને કૉલ-ઑફ જાહેર કરાઈ હતી. છેલ્લે ભારતનો સ્કોર ૧૨.૫ ઓવરમાં ૧/૮૯ હતો.

સામાન્ય રીતે વિદેશી ટીમો ન્યુ ઝીલૅન્ડમાં ડિસેમ્બરથી માર્ચની વચ્ચે રમવા આવતી હોય છે, પરંતુ અત્યારે તો નવેમ્બરના વરસાદે ભારતીયોનો પ્રવાસ બગાડી નાખ્યો છે. હાર્દિક પંડ્યાના સુકાનમાં રમેલી ભારતીય ટીમની ટી૨૦ સિરીઝ પણ વરસાદને લીધે ખોરવાઈ ગઈ હતી અને છેવટે ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ટાઈ થતાં ભારતે સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી.

વરસાદનાં વિઘ્નોથી બચવા ક્રિકેટ મૅચ રીટ્રેક્ટેબલ રૂફ સ્ટેડિયમમાં રાખવી એ એક વિકલ્પ કહી શકાય, પરંતુ ક્રિકેટ આઉટડોર સ્પોર્ટ હોવાથી એની ખરી મજા સૂરજના પ્રકાશ નીચે રમવાની જ છે. સૂર્યપ્રકાશમાં રમાવાને કારણે જ ક્રિકેટની રમત દર્શનીય કહેવાય છે. : ગૅરી સ્ટેડ, (ન્યુ ઝીલૅન્ડના કોચ)

સૅમસનને પડતો મૂકવા બદલ વિવાદ

સંજુ સૅમસનને સિરીઝની પ્રથમ વન-ડેમાં રમાડ્યા બાદ ગઈ કાલે બીજી મૅચમાં ડ્રૉપ કરીને દીપક હૂડાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો એને પગલે થોડો વિવાદ થયો હતો. સોશ્યલ મીડિયામાં સૅમસનના ચાહકોએ ટીમ-મૅનેજમેન્ટની ટીકા કરી હતી. સૅમસને પ્રથમ મૅચમાં ૩૮ બૉલમાં ૩૬ રન બનાવ્યા હતા. જોકે તેને વધુ મોકો આપતા રહેવાને બદલે નજીવી તક આપીને પડતો મૂકવાના પગલાને વખોડવામાં આવી રહ્યું છે. વસીમ જાફરે ઇએસપીએનની વેબસાઇટને કહ્યું, સતત ન રમવા મળે અને અણધારી રીતે ડ્રૉપ કરવામાં આવે તો એ ખેલાડીના નૈતિક જુસ્સાને વિપરીત અસર થતી હોય છે.’

sports sports news indian cricket team cricket news