25 January, 2026 09:22 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગુવાહાટી ઍરપોર્ટ પર ગૌતમ ગંભીર, ઈશાન કિશન અને હર્ષિત રાણા.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝની ત્રીજી મૅચ આજે આસામના ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ કિવીઓ સામે સતત બે મૅચ જીતીને વર્તમાન સિરીઝમાં ૨-૦થી આગળ છે. આજની મૅચ જીતીને ટીમ ઇન્ડિયા સિરીઝ પર કબજો કરવાનું લક્ષ્ય રાખશે, જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમ T20 વર્લ્ડ કપ પહેલાં આત્મવિશ્વાસ પાછો મેળવવા એડીચોટીનું જોર લગાડી સિરીઝ બચાવવાનો પ્રયાસ કરશે.
ગુવાહાટીના ક્રિકેટ-સ્ટેડિયમમાં ૨૦૧૭થી ૨૦૨૩ દરમ્યાન ભારતીય ટીમ ૪ T20 મૅચ રમી છે. આ સ્ટેડિયમમાં રમાયેલી મેન્સ T20 ઇન્ટરનૅશનલની પહેલી અને છેલ્લી બન્ને મૅચમાં ભારતને ઑસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૨૦માં શ્રીલંકા સામે રમાયેલી T20 મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ભારતને અહીં એકમાત્ર જીત ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે મળી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ આ સ્ટેડિયમમાં હજી સુધી કોઈ પણ ફૉર્મેટની મૅચ રમી નથી.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મૅચની T20 સિરીઝમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ T20 સિરીઝની ટ્રોફી રીસાઇકલ કરેલી સામગ્રીમાંથી બની છે. ટ્રોફીનો લાકડાનો ભાગ વપરાયેલા ક્રિકેટ-બૅટ અને લેધરવાળો ભાગ ક્રિકેટ-બૉલના ચામડાથી બનેલો છે. આ ટ્રોફી માત્ર એક ટ્રોફી નથી, પરંતુ રમતગમતમાં પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ પ્રત્યે ટીમોના સમર્પણનું પ્રતીક પણ છે.