વિરાટ કોહલીનું હાર્યા પછીનું ડહાપણ

25 June, 2021 10:53 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

આવુ નહીં ચલાવી લેવાય, બદલી નાખીશું આખી ટીમ, કેટલાક ખેલાડીઓ રન બનાવવાનો પ્રયાસ પણ નથી કરતા

પ્રેઝન્ટેશન સૅરેમની દરમ્યાન નિરાશ ભારતીય ટીમ (તસવી: એ.એફ.પી.)

ન્યુ ઝીલૅન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં મળેલી હાર બાદ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાં ફેરબદલનો સંકેત આપ્યો છે. તેણે કહ્યું હતું કે ‘પ્રદર્શનની સમીક્ષા બાદ યોગ્ય ખેલાડીને લાવીશું. જે સારા પ્રદર્શન માટે યોગ્ય માનસિકતા સાથે ઊતરે.’

ભારતીય બૅટ્સમેનોએ ફાઇનલમાં નિરાશ કર્યા. કોહલીએ કોઈ ખેલાડીનું નામ ન લીધું, પરંતુ એટલું કહ્યું કે કેટલાક ખેલાડીઓ રન બનાવવાનો પ્રયાસ પણ નથી કરતા. ચેતેશ્વર પુજારાએ પહેલી ઇનિંગ્સમાં ૫૪ બૉલમાં ૮ રન બનાવ્યા, તે પોતાના પહેલા રન માટે ૩૫ બૉલ રમ્યો હતો. તો બીજી ઇનિંગ્સમાં ૮૦ બૉલમાં ૧૫ રન બનાવ્યા હતા.

કોહલીએ કહ્યું કે ‘અમે એક વર્ષ સુધી રાહ નહીં જોઈએ. તમે અમારી વન-ડે ટીમને જુઓ તો ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ટેસ્ટમાં પણ આવા ખેલાડીઓની જરૂર છે. બૅટ્સમેનોનું ધ્યાન રન બનાવવા પર હોવું જોઈએ. વિકેટ ગુમાવવાની ચિંતા ન કરવી જોઈએ. આ રીતે જ તમે હરીફ ટીમ પર દબાણ બનાવી શકો અન્યથા તમે આઉટ થઈ જવાની બીકે જ રમશો તો ક્યારેય રન નહીં બનાવી શકો. તમારે સુનિયોજિત જોખમ લેવું જ પડશે.’ 

એક મૅચ દ્વારા વિશ્વની શ્રેષ્ઠ ટીમનો નિર્ણય ન થઈ શકે

મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં કોહલીએ કહ્યું કે ‘વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમનો નિર્ણય માત્ર એક જ મૅચથી થાય એ નિર્ણયને હું ટેકો નથી આપતો. જો ટેસ્ટ સિરીઝ હોય તો ત્રણ ટેસ્ટથી જ ખબર પડે કે કઈ ટીમમાં વાપસી કરવાની ક્ષમતા છે. એવું ન થાય કે તમે બે દિવસ સારું રમો અને પછી અચાનક શ્રેષ્ઠ ટીમ બનો. ભવિષ્યમાં આ મામલે વિચાર કરવો જોઈશે. ત્રણ મૅચમાં ઉતાર-ચડાવ આવે. પરિસ્થિતિ બદલાય. ભૂલો સુધારવાની તક મળે અને તો ખબર પડે કે શ્રેષ્ઠ ટીમ કઈ છે?’

પ્રૅક્ટિસ મૅચ કેમ ન મળી, ખબર નથી : કૅપ્ટન કોહલી

કોહલીના મતે ઇંગ્લૅન્ડ સામે ઑગસ્ટમાં રમાનારી પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ પહેલાં પ્રૅક્ટિસ મૅચ રમાવી જોઈતી હતી, પરંતુ કયા કારણથી આ પ્રસ્તાવને નકારવામાં આવ્યો એની ખબર નથી. ન્યુ ઝીલૅન્ડ સામે ફાઇનલ હારનારી ભારતીય ટીમને એક પણ પ્રૅક્ટિસ મૅચ નહોતી મળી. તો ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડ સામે બે ટેસ્ટ મૅચની સિરિઝ રમ્યું હતું. ભારતીય ટીમને હવે ત્રણ સપ્તાહનો બ્રેક મળ્યો છે. ટીમ ૧૪ જુલાઈથી ફરી નોટિંગહૅમમાં ભેગી થશે અને ૪ ઑગસ્ટ સુધી ટેસ્ટ સિરીઝ રમશે. 

એક સારી ટીમ જીતી : કોચ રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના પરાજય બાદ કોચ રવિ શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કરીને ન્યુ ઝીલૅન્ડની ટીમને અભિનંદન આપતાં લખ્યું છે કે ‘એક સારી ટીમે આવી પરિસ્થિતિમાં વિજય મેળવ્યો. આઇસીસી ટ્રોફી માટે સૌથી લાંબો સમય રાહ જોયા બાદ યોગ્ય વિજેતા મળ્યો છે. આ એક શાનદાર ઉદાહરણ છે કે મોટી સિદ્ધિ સહેલાઈથી નથી મળતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ સારું રમી.’ ન્યુ ઝીલૅન્ડની ટીમે ૮ વિકેટે વિજય મેળવીને વિરાટ કોહલીની ટીમને વધુ એક ટાઇટલથી દૂર રાખ્યું હતું. ભારતીય ટીમ વિરાટના નેતૃત્વમાં એક પણ આઇસીસી ટાઇટલ જીતી શક્યું નથી. ફાઇનલમાં ભારતીય ટીમ અનુક્રમે ૨૧૭ અને ૧૭૦ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડ અગાઉ ૨૦૦૦માં આઇસીસી ટ્રોફી જીત્યું હતું. એ પહેલાં ૨૦૧૯ની વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગયું હતું. એ ૨૦૧૫માં પણ ફાઇનલમાં પહોંચ્યું હતું.

sports sports news cricket news test cricket