✕

રિષભ પંતે હાફ સેન્ચુરી ફટકારીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

22 November, 2026 08:58 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

વિરોધી દેશની ધરતી પર રમાયેલી અવે ટેસ્ટમાં વિકેટકીપર-બૅટર તરીકે સૌથી વધુ રન બનાવવાની બાબતે ઑસ્ટ્રેલિયાના ઍડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો.

રિષભ પંત

વેલિંગ્ટનમાં ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે રિષભ પંતે વિરોધી ટીમના ઘરેલુ મેદાન પર રમાયેલી અવે ટેસ્ટ-મૅચોમાં વિકેટકીપર-બૅટર તરીકે સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. શનિવારની રમતના અંતે રિષભ પંત ૬૨ બૉલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી પંચાવન રન બનાવીને અણનમ રહ્યો હતો.

રિષભ પંત જ્યારે ઇન્ડિયાની પ્રથમ ઇનિંગ્સમાં બૅટિંગ કરવા ઊતર્યો ત્યારે આ ઑલ-ટાઇમ યાદીમાં ઑસ્ટ્રેલિયાના ઍડમ ગિલક્રિસ્ટ અને ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોની બાદ ત્રીજા સ્થાને હતો. વેલિંગ્ટનમાં પોતાની અણનમ ઇનિંગ્સ દરમિયાન રિષભ પંતે પહેલાં એમ. એસ. ધોનીના ૮૩ ઇનિંગ્સમાં ૨૪૯૬ રનના આંકડાને પાર કર્યો હતો અને ત્યાર બાદ ઍડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ઍડમ ગિલક્રિસ્ટે ૨૦૦૦થી ૨૦૦૬ દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી વિકેટકીપર-બૅટર તરીકે વિરોધી દેશોમાં ૩૮ ટેસ્ટ-મૅચની ૫૮ ઇનિંગ્સમાં ૨૫૧૨ રન બનાવ્યા હતા. હવે રિષભ પંતે ૩૬ મૅચની ૬૩ ઇનિંગ્સમાં અણનમ ૧૫૯ રનના સર્વોચ્ચ સ્કોર, ૬ સદી અને ૧૨ અડધી સદી સાથે ૨૫૪૪ રન બનાવી લીધા છે. જો તટસ્થ સ્થળો (ન્યુટ્રલ વેન્યુ) પર રમાયેલી મૅચોને પણ સામેલ કરવામાં આવે તો ડેઝિગ્નેટેડ વિકેટકીપર-બૅટર તરીકે સૌથી વધુ અવે ટેસ્ટ-રન બનાવવાનો ઓવરઑલ રેકૉર્ડ પાકિસ્તાનના સરફરાઝ અહમદના નામે છે. સરફરાઝ અહમદે પાકિસ્તાનની બહાર બાવન ટેસ્ટની ૯૧ ઇનિંગ્સમાં ૨૬૯૬ રન બનાવ્યા છે, જ્યારે ઍડમ ગિલક્રિસ્ટ ૪૧ મૅચની ૬૨ ઇનિંગ્સમાં ૨૬૩૪ રન સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં રિષભ પંત ૩૭ ટેસ્ટની ૬૫ ઇનિંગ્સમાં ૨૫૮૯ રન સાથે ત્રીજા ક્રમે છે.

india new zealand wellington world test championship test cricket Rishabh Pant indian cricket team team india cricket news sports news sports