ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ભારતની ૩૦ રને શરમજનક હાર

17 November, 2025 10:36 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

બીજા દાવમાં ૧૫૩ રને ઑલઆઉટ થઈ મહેમાન ટીમે ૧૨૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં ભારત માત્ર ૯૩ રન કરી શકતાં આફ્રિકા ૧૫ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ જીત્યુંં : સ્પિનર હાર્મરે બન્ને ઇનિંગ્સમાં ૪-૪ વિકેટ લીધી

સિરાજની અંતિમ વિકેટ લઈને સ્પિનર કેશવ મહારાજે સાથી-પ્લેયર્સ સાથે ટેસ્ટ-મૅચ જીતવાની શાનદાર ઉજવણી કરી હતી.

કલકત્તા ટેસ્ટ-મૅચમાં ૩૦ રનની રોમાંચક જીત મેળવીને સાઉથ આફ્રિકાએ બે મૅચની સિરીઝમાં ભારત સામે ૧-૦થી લીડ મેળવી લીધી છે. પહેલા દાવમાં ૧૫૯ રન કરનાર સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ૧૫૩ રન કરીને ૫૪ ઓવરમાં ૧૨૪ રનનો નાનકડો ટાર્ગેટ સેટ કર્યો હતો. ૩૫ ઓવરમાં ૯૩ રનમાં સમેટાઈ જતાં ભારતે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ગરદનની ઇન્જરીને લીધે કૅપ્ટન શુભમન ગિલ પહેલા દાવમાં રિટાયર્ડ આઉટ અને બીજા દાવમાં ઍબ્સન્ટ હર્ટ જાહેર થયો હતો.

ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાએ ૩૬મી ઓવરમાં ૭ વિકેટે ૯૩ રનના સ્કોરથી બીજો દાવ આગળ વધાર્યો હતો. કૅપ્ટન ટેમ્બા બવુમાએ ૧૩૬ બૉલમાં ૪ ફોરની મદદથી પંચાવન રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. તેને કારણે જ મહેમાન ટીમ ૫૦+ ઓવર રમીને ૧૫૦ રનનો સ્કોર કરી શકી હતી. તેણે પચીસ રન કરનાર કોર્બિન બોશ સાથે આઠમી વિકેટની ૪૪ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ભારત તરફથી ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહને એક અને મોહમ્મદ સિરાજને બે સફળતા મળી હતી. રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં ચાર વિકેટ લઈને બીજા દાવમાં સૌથી સફળ બોલર સાબિત થયો હતો.

સરળ દેખાતા ટાર્ગેટ સામે ભારતે ૧૯.૪ ઓવરમાં ૩૮ રનના સ્કોરે જ ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પોતાની અંતિમ ૬ વિકેટ ૮ ઓવરમાં ૨૯ રનમાં ગુમાવી દીધી હતી. સ્ટાર બૅટર્સ યશસ્વી જાયસવાલ (ઝીરો) કે. એલ. રાહુલ (૧ રન) અને રિષભ પંત (બે રન) ફ્લૉપ રહ્યા હતા. ત્રીજા ક્રમે રમી વૉશિંગ્ટન સુંદરે ૯૨ બૉલમાં ૩૧ રન, ચોથા ક્રમે રમીને ધ્રુવ જુરેલે ૩૪ બૉલમાં ૧૩ રન અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠા ક્રમે રમીને ૨૬ બોલમાં ૧૮ રન કર્યા હતા. સાતમા ક્રમે રમીને ઑલરાઉન્ડર અક્ષર પટેલે ૧૭ બૉલમાં એક ફોર અને બે શાનદાર સિક્સરની મદદથી ૨૬ રન કર્યા હતા.

સાઉથ આફ્રિકા માટે બીજા દાવમાં સ્પિનર સાઇમન હાર્મર ૨૧ રનમાં ૪ વિકેટ લઈને સૌથી સફળ બોલર રહ્યો હતો. ભારતમાં રમાયેલી ટેસ્ટ-મૅચમાં પોતાનું હમણાં સુધીનું બેસ્ટ ૫૧ રનમાં ૮ વિકેટનું પ્રદર્શન કરીને તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સ્પિનર કેશવ મહારાજ અને ફાસ્ટ બોલર યાન્સેનને બે-બે સફળતા મળી હતી. પાર્ટ-ટાઇમ સ્પિનર એઇડન માર્કરમને પણ એક સફળતા મળી હતી.

છેલ્લે ૨૦૧૦માં મળી હતી જીત

સાઉથ આફ્રિકા ભારતમાં ભારતીય ટીમ સામે ૧૫ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ જીત્યું છે. તેમને છેલ્લે ૨૦૧૦માં નાગપુરમાં એક ઇનિંગ્સ અને ૬ રનથી યજમાન ટીમની ધરતી પર જીત મળી હતી. આ બે મૅચ વચ્ચે સાઉથ આફ્રિકા ભારતમાં ૮માંથી ૭ મૅચ હાર્યું છે જેમાં સતત પાંચ મૅચની હારનો પણ સમાવેશ થાય છે. અન્ય એક મૅચ ડ્રૉ રહી હતી.

ચારેય ઇનિંગ્સમાં ૨૦૦થી ઓછા રન

કલકત્તા ટેસ્ટ-મૅચની ચારેય ઇનિંગ્સમાં બન્ને ટીમ ૨૦૦થી વધુ રન કરી શકી નહોતી. ભારતની ધરતી પર પહેલી વખત કોઈ ટેસ્ટ-મૅચની ચારેય ઇનિંગ્સમાં ૨૦૦થી ઓછા રન થયા છે. ટેસ્ટ-ક્રિકેટ ઇતિહાસની આ બારમી ઘટના છે. છેલ્લે ૬૬ વર્ષ પહેલાં માર્ચ ૧૯૫૯માં પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચમાં આ અનોખી ઘટના બની હતી. 

૧૨૪ રનના ટાર્ગેટનો ન ભૂલી શકાય એવા રેકૉર્ડ બન્યો

એકવીસમી સદીમાં ટેસ્ટ-ફૉર્મેટમાં ભારત પોતાનો સૌથી લોએસ્ટ ૧૨૪ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું. ટેસ્ટ ઇનિંગ્સમાં ભારતને પોતાનો સૌથી લોએસ્ટ ૧૨૦ રનનો ટાર્ગેટ વેસ્ટ ઇન્ડીઝ સામે ચેઝ કરવામાં નિષ્ફળતા મળી હતી. ૧૨૪ રનનો ટાર્ગેટ આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

સાઉથ આફ્રિકાએ એકવીસમી સદીમાં પોતાનો લોએસ્ટ ટેસ્ટ-ટાર્ગેટ ડિફેન્ડ કર્યો છે. ઓવરઑલ ટેસ્ટ-ઇતિહાસમાં આ ટીમે ૧૯૯૪માં સૌથી લોએસ્ટ ૧૧૭ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ૧૨૪ રનનો ટાર્ગેટ આ લિસ્ટમાં બીજા ક્રમે છે.

ભારતની ધરતી પર સૌથી લોએસ્ટ ટેસ્ટ ટાર્ગેટ ડિફેન્ડ કરનારી વિદેશી ટીમ સાઉથ આફ્રિકા બની છે. આ પહેલાં ન્યુ ઝીલૅન્ડે ૨૦૨૪માં વાનખેડે સ્ટેડિયમમાં ૧૪૭ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. ભારતની ધરતી પર ભારતે સૌથી લોએસ્ટ ૧૦૭ રનનો ટાર્ગેટ ૨૦૦૪માં વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે ડિફેન્ડ કર્યો હતો.

જસપ્રીત બુમરાહે ઠીંગણો કમેન્ટ કરવા બદલ ટેમ્બા બવુમાની માફી માગી‍?

કલકત્તા ટેસ્ટ-મૅચમાં હાર્યા બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મેદાન છોડતી વખતે સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા સાથે વાતો કરી હતી. પહેલી ટેસ્ટ-મૅચમાં એકમાત્ર ફિફ્ટી ફટકારનાર ટેમ્બાના ખભા પર હાથ મૂકીને તેણે શું કહ્યું એ વિશે સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. બન્નેની ટૂંકી વાતચીત હાથ મિલાવવા સાથે સમાપ્ત થઈ હતી. એવું અનુમાન છે કે મૅચના પહેલા દિવસે ટેમ્બા માટે બૌના એટલે કે ઠીંગણો કહેવા બદલ અને અપશબ્દ બોલવા બદલ બુમરાહે માફી માગી લીધી હશે. સાઉથ આફ્રિકાએ આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. 

ગિલ ગરદનની ઇન્જરીને કારણે ત્રીજા દિવસે પણ રમી ન શક્યો : ઈડન ગાર્ડન્સમાંથી સ્ટ્રેચર પર સુવડાવીને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો

ભારતીય કૅપ્ટન શુભમન ગિલ ગરદનની ઇન્જરીને કારણે કલકત્તા ટેસ્ટ-મૅચમાંથી બહાર થઈ ગયો હતો. બીજા દિવસે ફોર ફટકાર્યા બાદ તેની ગરદનમાં દુખાવો થતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો અને પછી પહેલી ઇનિંગ્સમાં બૅટિંગ માટે આવી શક્યો નહોતો. તેને ગરદન હલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. રેગ્યુલર કૅપ્ટનની ગેરહાજરીમાં વાઇસ-કૅપ્ટન રિષભ પંત ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. સોશ્યલ મીડિયા પર ઈડન ગાર્ડન્સમાંથી હૉસ્પિટલમાં જતા શુભમન ગિલનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. બીજા દિવસે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમ તેને સ્ટ્રેચર પર સુવડાવીને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. તે હાલમાં હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. BCCIની મેડિકલ ટીમ તેની સારવાર પર નજર રાખી રહી છે. 

ઈડન ગાર્ડન્સમાં ઊમટી આવ્યા એક લાખથી વધુ દર્શકો

કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં નવેમ્બર ૨૦૧૯ બાદ પહેલી વખત ટેસ્ટ-મૅચ રમાઈ હતી. ભારત-સાઉથ આફ્રિકાની ત્રણ દિવસની આ ટેસ્ટ-મૅચ જોવા ૧,૧૮,૦૪૭ દર્શકો આવ્યા હતા. પહેલા દિવસે ૩૬,૫૧૩, બીજા દિવસે ૪૧,૭૬૫ અને ત્રીજા દિવસે ૩૯,૭૬૯ દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા. વર્તમાન સમયમાં ભારતમાં ભાગ્યે જ આટલી સંખ્યામાં ટેસ્ટ-મૅચ જોવા ક્રિકેટ-ફૅન્સ સ્ટેડિયમમાં આવે છે. 

india indian cricket team team india south africa test cricket eden gardens kolkata shubman gill kl rahul yashasvi jaiswal sai sudharsan Rishabh Pant dhruv Jurel ravindra jadeja washington sundar Kuldeep Yadav mohammed siraj jasprit bumrah cricket news sports sports news