ટીમ ઇન્ડિયા ૨૭ રનમાં ૬ વિકેટ ગુમાવીને પરાજયના પંથે પહોંચી ગઈ

25 November, 2025 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશસ્વી જાયસવાલ સિવાયના ધુરંધરો ફ્લૉપ સાબિત થયા : ૯૫ રનના સ્કોર પર એક વિકેટ હતી ત્યાંથી ૧૨૨ના સ્કોર પર ૭ પડી ગઈ : વૉશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની પાર્ટનરશિપને લીધે સ્કોર ૨૦૦ પાર પહોંચ્યો

ત્રીજા દિવસની રમતના અંતે કૅપ્ટન રિષભ પંત સહિતના ભારતીય પ્લેયર્સ નિરાશ થઈને પરત ફરતા જોવા મળ્યા

ગુવાહાટી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે પણ સાઉથ આફ્રિકાની ટીમ યજમાન ટીમ પર ભારે પડી હતી. ભારત યશસ્વી જાયસવાલની ફિફ્ટી અને વૉશિંગ્ટન-કુલદીપની ૭૨ રનની પાર્ટનરશિપના આધારે ૮૩.૫ ઓવરમાં માંડ-માંડ ૨૦૧ રન કરી શક્યું હતું. ત્રીજા દિવસના અંતે બીજા દાવની ૮ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૨૬ રન કરીને મહેમાન ટીમે ૩૧૪ રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ પહેલા દાવમાં ૪૮૯ રન કરીને ગુવાહાટી ટેસ્ટ-મૅચ જીતવા માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો હતો.

ત્રીજા દિવસે ભારતે સાતમી ઓવરમાં ૯-૦ના સ્કોરથી બીજો દાવ આગળ વધાર્યો હતો. યશસ્વી જાયસવાલે ૯૭ બૉલમાં ૭ ફોર અને એક સિક્સરની મદદથી ૫૮ રન કરી ભારતને સારી શરૂઆત અપાવી હતી. ૬૩ બૉલમાં બાવીસ રન કરનાર કે. એલ. રાહુલ રૂપે ભારતે ૬૫ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ઑલમોસ્ટ ૧૧ ઓવરની અંદર ભારતે માત્ર ૨૭ રનની અંદર ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

યશસ્વી જાયસવાલે ૭ ફોર અને એક સિક્સરના આધારે ૫૮ રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી

સાઈ સુદર્શન ૪૦ બૉલમાં ૧૫ રન, ધ્રુવ જુરેલ ૧૧ બૉલમાં ઝીરો, રિષભ પંત ૮ બૉલમાં ૭, રવીન્દ્ર જાડેજા ૧૮ બૉલમાં ૬ અને નીતીશ કુમાર રેડ્ડી ૧૮ બૉલમાં ૧૦ રન કરી પૅવિલિયન પરત ફર્યા હતા. જોકે આઠમી વિકેટ માટે વૉશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે ૨૦૮ બૉલમાં ૭૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમની આબરૂ બચાવી હતી.

વૉશિંગ્ટને ૯૨ બૉલમાં બે ફોર અને એક સિક્સરના આધારે ૪૮ રન કર્યા હતા. જ્યાં સ્ટાર બૅટર ફેલ રહ્યા ત્યાં કુલદીપે ૧૩૪ બૉલ રમીને ૩ ફોરની મદદથી ૧૯ રન કર્યા હતા. તેણે પોતાની 
ટેસ્ટ-કરીઅરમાં એક મૅચમાં સૌથી વધુ બૉલનો સામનો કર્યો હતો. તે બન્નેની વિકેટ બાદ જસપ્રીત બુમરાહના ૧૭ બૉલમાં પાંચ રન અને મોહમ્મદ સિરાજના ૬ બૉલમાં અણનમ બે રનની મદદથી ભારતે ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો.

બૅટિંગ દરમ્યાન ૯૩ રન ફટકારનાર ફાસ્ટ બોલર માર્કો યાન્સેન બીજા દાવમાં બોલિંગ દરમ્યાન ચમક્યો હતો. તેણે ૧૯.૫ ઓવરમાં માત્ર ૪૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. પહેલી ટેસ્ટ-મૅચના હીરો સ્પિનર સાઇમન હાર્મરે ૬૪ રન આપીને ૩ વિકેટ અને ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજે ૩૯ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ભારતીય કૅપ્ટન રિષભ પંતને આઉટ કર્યા બાદ માર્કો યાન્સેનને અભિનંદન આપતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ. તેણે ૪૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી

ભારતના પહેલા દાવ બાદ ૨૮૮ રનની જંગી લીડ હોવા છતાં સાઉથ આફ્રિકાએ ફૉલો-ઑન આપવાનું ટાળી પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો. બીજા દાવમાં રાયન રિકલ્ટને પચીસ બૉલમાં ૧૩ રન અને એઇડન માર્કરમે ૨૩ બૉલમાં ૧૨ રન કરીને પોતાની વિકેટ બચાવી રાખી હતી. ભારતીય બોલિંગ યુનિટે ટેસ્ટ-મૅચ અને સિરીઝ બચાવવા માટે આજે ચોથા દિવસે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકાને ઓછા સ્કોરમાં ઑલઆઉટ કરવું પડશે.

૨૧મી સદીમાં ૯૦+ના સ્કોર બાદ ટીમ ઇન્ડિયાનું સૌથી શરમજનક વિકેપતન

ગુવાહાટી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ભારતે ૯૫ રન પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ ૧૨૨ રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. ભારતે ૨૭ રનની અંદર ૬ વિકેટ ગુમાવી એ ૨૧મી સદીમાં ૯૦+ રનનો ટેસ્ટ-સ્કોર બનાવ્યા બાદ સૌથી ખરાબ વિકેટપતન છે. ભારતે ૧૯૮૨માં પાકિસ્તાન સામે કરાચીમાં ૧૦૨થી ૧૧૪ રનના સ્કોર વચ્ચે ૧૨ રનની અંદર ૬ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ૧૯૪૬માં ઇંગ્લૅન્ડ સામે ઓલ્ડ ટ્રૅફર્ડમાં ૧૩૦થી ૧૫૬ રનના સ્કોર વચ્ચે અને ૧૯૮૪માં લાહોરમાં પાકિસ્તાન સામે ૯૪થી ૧૨૦ રન વચ્ચે ૨૬-૨૬ રનની અંદર ૬-૬ વિકેટ ગુમાવી હતી.

 

south africa india indian cricket team team india test cricket guwahati cricket news sports sports news yashasvi jaiswal kl rahul sai sudharsan dhruv Jurel Rishabh Pant ravindra jadeja nitish kumar reddy washington sundar Kuldeep Yadav jasprit bumrah mohammed siraj