19 November, 2025 08:23 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર અને બૅટિંગ કોચ સિતાંશુ કોટક સાથે વાતચીત કરી રહેલો રવીન્દ્ર જાડેજા. ગંભીરે ત્યાર બાદ ધ્રુવ જુરેલ સાથે પણ વાતચીત કરી હતી.
કલકત્તા ટેસ્ટ-મૅચમાં હારને કારણે સાઉથ આફ્રિકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારત ૦-૧થી પાછળ છે. સિરીઝને ડ્રૉ કરવા ટીમ ઇન્ડિયાને ૨૨થી ૨૬ નવેમ્બર દરમ્યાન આસામના ગુવાહાટીમાં આયોજિત બીજી મૅચ જીતવી પડશે. આ ગુવાહાટી ટેસ્ટ-મૅચની તૈયારી ભારતીય ટીમે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં જ શરૂ કરી દીધી છે. ટેસ્ટ-મૅચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ હોવાથી પ્લેયર્સ માટે વૈકલ્પિક નેટ-સેશન યોજાયું હતું.
હેડ કોચ ગૌતમ ગંભીરત અને બૅટિંગ-કોચ સિતાંશુ કોટક સાથે છ જેટલા ભારતીય પ્લેયર્સ આ સેશનમાં જોડાયા હતા. સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા જેવા બૅટર્સે ઈડન ગાર્ડન્સની પ્રૅક્ટિસ પિચ પર લાંબા સમય સુધી નેટ-બોલર્સનો સામનો કર્યો હતો. અહેવાલ અનુસાર ભારતીય પ્લેયર્સે સ્પિનરો સામે ફ્રન્ટ-પૅડ વિના બૅટિંગ કરી હતી. આ એક ખૂબ જ જૂની તાલીમ-પદ્ધતિ છે જ્યાં કોચ બૅટ્સમેનોને બૉલ રોકવા માટે આગળના પૅડ કરતાં વધુ બૅટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
પિચ-વિવાદ વચ્ચે ગૌતમ ગંભીર કલકત્તાના પિચ ક્યુરેટર સુજાન મુખરજી સાથે પણ વાતચીત કરતો જોવા મળ્યો હતો.