સાઉથ આફ્રિકાએ ખડકી દીધા ૪૮૯ રન, ફર્સ્ટ ઇનિંગ્સમાં આટલા રન કર્યા પછી કોઈ મહેમાન ટીમ ભારતમાં હારી નથી

24 November, 2025 07:39 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ભારતીય મૂળનો સેનુરન મુથુસામી ભારે પડ્યો ભારતને, ફટકારી સરપ્રાઇઝ સેન્ચુરી : માર્કો યાન્સેને પણ આક્રમક કરીઅર-બેસ્ટ ૯૩ રન કર્યા

માર્કો યાન્સેન છ ફોર અને ૭ સિક્સની મદદથી તેની કરીઅર-બેસ્ટ ૯૩ રનની ઇનિંગ્સ રમ્યો હતો

સેનુરન મુથુસામીની પહેલી સેન્ચુરી અને માર્કો યાન્સેનના કરીઅર-બેસ્ટ ૯૩ રનથી મદદથી ૪૮૯ રનનો સ્કોર ઊભો કરીને સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ગુવાહાટી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી હતી. રેકૉર્ડ-બુક પ્રમાણે પ્રથમ ઇનિંગ્સમાં ૪૮૯ જેટલા રન બનાવ્યા પછી કોઈ પણ ટીમ ભારતમાં ટેસ્ટ-મૅચ હારી નથી. જો સાઉથ આફ્રિકા આ ​​રેકૉર્ડ જાળવી રાખશે તો ૧૨ વર્ષમાં ભારત માટે ઘરઆંગણે બીજી વાર સિરીઝ-હારની નાલેશી લખાશે.

ટેસ્ટના બીજા દિવસની શરૂઆતમાં ૬ વિકેટે ૨૪૭ રનથી આગળ રમતાં સાઉથ આફ્રિકાના વિકેટકીપર બૅટ્સમૅન કાઇલ વરેન અને સેન્ચુરિયન સેનુરન મુથુસામીએ સાતમી વિકેટ માટે ૮૮ રનની પાર્ટનરશિપ કરી હતી. એ પછી યાન્સેને ભારતની મુસીબતમાં વધારો કરતાં આક્રમક અંદાજમાં બૅટિંગ શરૂ કરી હતી. આઠમી વિકેટ માટે મુથુસામી અને યાન્સેને ૯૭ રન જોડ્યા હતા. ૧૦૬ રન કરીને મુથુસામીના આઉટ થયા પછી પણ બે વિકેટ પાડતાં ભારતીય બોલરોનો પરસેવો છૂટી ગયો હતો. યાન્સેને નવમી વિકેટ માટે સાઇમન હાર્મર સાથે ૩૧ અને કેશવ મહારાજ સાથે છેલ્લી વિકેટ માટે ૨૭ રન ઉમેરીને સ્કોરને ૪૮૯ સુધી પહોંચાડી દીધો હતો.

ભારત તરફથી કુલદીપ યાદવે ૧૧૫ રન આપીને ૪; જ્યારે બુમરાહ, સિરાજ અને જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. ભારતીય ઓપનર્સ યશસ્વી જાયસવાલ અને કે. એલ. રાહુલ ૬ ઓવર અને ૧ બૉલ રમ્યા હતા. દિવસના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે ૯ રન હતો.

india south africa test cricket guwahati indian cricket team team india cricket news sports sports news