આજે ગુવાહાટીમાં થશે ટેસ્ટ-ક્રિકેટના શ્રીગણેશ

22 November, 2025 08:12 AM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

ભારત ટેસ્ટ-સિરીઝ બચાવવા અને સાઉથ આફ્રિકા જીતવા ઊતરશે, મહેમાન ટીમ ૧-૦થી છે આગળ

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મસ્તી-મશ્કરી કરતા ભારતીય પ્લેયર્સ

આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝની અંતિમ મૅચ શરૂ થશે. ગુવાહાટીનું બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ દેશનું ૩૦મું ટેસ્ટ-વેન્યુ બનશે, કારણ કે આજે અહીં પહેલી વખત ટેસ્ટ-મૅચ રમાશે. આ સ્ટેડિયમમાં બે મેન્સ વન-ડે, ૪ મેન્સ T20, પાંચ વિમેન્સ વન-ડે અને ૩ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી.

આસામના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન સચિવ દેવજિત સૈકિયાએ અહીં વિમેન્સ વર્લ્ડ કપની મૅચનું આયોજન કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. ઑલમોસ્ટ ૪૬,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું આ સ્ટેડિયમ રાજસ્થાન રૉયલ્સનું બીજું હોમગ્રાઉન્ડ હોવાથી અહીં ૬ IPL મૅચનું પણ આયોજન થયું છે.

કલકત્તા ટેસ્ટ-મૅચમાં ૩૦ રનથી મળેલી જીતને કારણે સાઉથ આફ્રિકા બે મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે. ભારત બીજી મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવાનો ટાર્ગેટ રાખશે. સાઉથ આફ્રિકા ક્લીન સ્વીપનો પ્રયાસ કરશે અને મૅચ ડ્રૉ થવાના કિસ્સામાં પણ મહેમાન ટીમ સિરીઝ જીતશે. ભારત ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ૨૦૦૦માં જ ટેસ્ટ-સિરીઝ હાર્યું હતું.

લંચ પહેલાં ટી-બ્રેક લેવાશે નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં વિન્ટરમાં સૂર્યાસ્ત વહેલો થાય છે. ટેસ્ટ-મૅચમાં દિવસની છેલ્લી ઓવર્સની રમત ખરાબ પ્રકાશને કારણે રદ ન કરવી પડે એ માટે સવારે ટેસ્ટ-મૅચ ૯.૩૦ને બદલે ૯ વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે પ્રથમ સેશન બાદ લંચ-બ્રેક લેવામાં આવે છે, પરંતુ અહીં મોટા ભાગની ઓવર્સ ઝડપી પૂરી કરવા પહેલાં ટી-બ્રેક લેવાશે. ૪ વાગ્યા સુધીમાં દિવસની રમત પૂર્ણ થશે.

પિચ-ક્યુરેટર સાથે વાતચીત કરતો હેડ કોચ ગૌતમ ગંભીર

રબાડા બીજી મૅચમાંથી પણ આઉટ સાઉથ આફ્રિકાનો સ્ટાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ભારત સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી પણ બહાર થયો છે. મહેમાન ટીમના કૅપ્ટન ટેમ્બા બવુમાએ આ વાતની પુષ્ટિ આપી છે. પાંસળીમાં ઇન્જરીને કારણે તે કલકત્તા ટેસ્ટ-મૅચમાં પણ રમી શક્યો નહોતો. ૩૦ રનથી પહેલી ટેસ્ટ-મૅચ જીતનાર સાઉથ આફ્રિકા મૅચના પ્રથમ દિવસે ટૉસ પહેલાં પિચનો મિજાજ જાણ્યા બાદ પોતાની પ્લેઇંગ ઇલેવન ફાઇનલ કરશે.

ગુવાહાટી ટેસ્ટ-મૅચ માટે શુભમન ગિલ અનફિટ, રિષભ પંત ભારતનો ૩૮મો ટેસ્ટ-કૅપ્ટન બનશે

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે બીજી ટેસ્ટ-મૅચ માટે મહત્ત્વપૂર્ણ અપડેટ શૅર કરવામાં આવી હતી. રેગ્યુલર કૅપ્ટન શુભમન ગિલ ગરદનની ઇન્જરીમાંથી ફુલ્લી ફિટ ન થયો હોવાથી બીજી 
ટેસ્ટ-મૅચમાંથી બહાર થયો છે. ટીમ સાથે ગુવાહાટી ગયેલો શુભમન ગિલ  આગળની સારવાર માટે મુંબઈ આવશે. ટેસ્ટ-ટીમનો ૨૮ વર્ષનો વાઇસ-કૅપ્ટન રિષભ પંત બીજી મૅચમાં કૅપ્ટન્સી કરશે. તે ભારતનો ૩૮મો ટેસ્ટ-કૅપ્ટન બનશે. તેણે ભારત માટે જૂન ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે જ પાંચ T20 મૅચની સિરીઝમાં કૅપ્ટન્સી કરી છે. એમાં બે જીત અને બે હાર મળી હતી અને એક મૅચ રદ રહી હતી.

મને પાંચ ટેસ્ટ-મૅચની ઍશિઝ જોઈને ઈર્ષા થઈ રહી છે : બવુમા

ગુવાહાટી ટેસ્ટ-મૅચ પહેલાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘અમે સવારે ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ઍશિઝ જોવા માટે ઊઠ્યા હતા. તેમની પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ જોઈને થોડી ઈર્ષા થઈ. તેઓ એકબીજા પર પ્રભુત્વ મેળવશે. આશા છે કે અમે નજીકના ભવિષ્યમાં ભારત સામે ચાર ટેસ્ટ-મૅચ રમી શકીએ.’ ભૂતકાળમાં સાઉથ આફ્રિકાને વધુ મૅચ રમાડવાની વિનંતી કરી ચૂકેલા ટેમ્બા બવુમાએ કહ્યું હતું કે ‘જ્યારે કોઈ સિરીઝના આયોજન કરવાની વાત આવે છે ત્યારે એમાં કોઈ ખેલાડી સામેલ નથી હોતો. અમારે ફક્ત મેદાન પર જઈને સારું ક્રિકેટ રમવું પડશે. એનાથી ટોચના દેશો અને અન્ય રાષ્ટ્ર અમારી સાથે વધુ ક્રિકેટ રમવા આકર્ષિત થશે.’ 

ગુવાહાટી ટેસ્ટ-મૅચનાં સેશનનાં ટાઇમિંગ

પહેલું સેશન : સવારે ૯થી ૧૧
ટી-બ્રેક : સવારે ૧૧થી ૧૧.૨૦
બીજું સેશન : સવારે ૧૧.૨૦થી ૧.૨૦
લંચ : બપોરે ૧.૨૦થી બે
ત્રીજું સેશન : બપોરે બેથી ૪

india south africa test cricket indian cricket team team india cricket news sports sports news