રોસોઉની સદીએ વાઇટવૉશ ટાળ્યો

05 October, 2022 10:53 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ નાના મેદાન પરની પિચ પર બૅટિંગ મળ્યા બાદ ૩ વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા

રિલી રોસોઉ

સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ઇન્દોરમાં ભારતને ત્રીજી અને છેલ્લી ટી૨૦માં ૪૯ રનથી હરાવીને ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં આશ્વાસન જીત મેળવી હતી. સ્ટાઇલિશ બૅટર રિલી રોસોઉ (૧૦૦ અણનમ, ૪૮ બૉલ, આઠ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ભારત અગાઉ જ ૨-૦થી સિરીઝ જીતી ચૂક્યું હતું, પરંતુ ગઈ કાલે ટેમ્બા બવુમાની ટીમે જીતીને ભારતને ૩-૦ની ક્લીન સ્વીપ નહોતી કરવા દીધી. ટીમ ઇન્ડિયાએ ૨૨૮ રનના લક્ષ્યાંક સામે૧૮.૩ ઓવરમાં ૧૭૮ રન બનાવ્યા હતા. દીપક ચાહર (૩૧ રન, ૧૭ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને ઉમેશ યાદવ (૨૦ અણનમ, ૧૭ બૉલ, બે ફોર)ની ફટકાબાજીએ ટીમના મુખ્ય બૅટર્સને શરમાવ્યા હતા. પ્રીટોરિયસે ત્રણ વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિક (૪૬ રન, ૨૧ બૉલ, ૪ સિક્સર, ૪ ફોર)નો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો.

સાઉથ આફ્રિકાએ નાના મેદાન પરની પિચ પર બૅટિંગ મળ્યા બાદ ૩ વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા. રિલી રોસોઉ અને ક્વિન્ટન ડી કૉક (૬૮ રન, ૪૩ બૉલ, ચાર સિક્સર, છ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૯૦ રનની ભાગીદારી થઈ હતી. રોસોઉ સાથે અણનમ રહેલા ડેવિડ મિલરે (૧૯ અણનમ, પાંચ બૉલ, ત્રણ સિક્સર) દીપક ચાહરની ૨૦મી ઓવરમાં હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી.

sports sports news indian cricket team cricket news t20 international