18 November, 2025 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅગિસો રબાડા
સાઉથ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ભારતમાં ૧૫ વર્ષ બાદ મળેલી ટેસ્ટ-જીત વિશે મોટું નિવેદન આપ્યું છે. પાંસળીની ઇન્જરીને કારણે કલકત્તાની ટેસ્ટ-મૅચ ન રમી શકનાર કૅગિસો રબાડાએ કહ્યું હતું કે ‘કોણ ટીમની બહાર છે એનાથી કોઈ ફરક નથી પડતો. સાઉથ આફ્રિકા જીતનો રસ્તો શોધી જ લે છે. કૅપ્ટન ટેમ્બા બવુમા અમારા માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘વર્તમાન સીઝનમાં સાઉથ આફ્રિકાએ જેટલી ટોચની જીત મેળવી છે એમાં ઈડન ગાર્ડન્સની જીત ચોક્કસપણે ટૉપ-થ્રીમાં છે. આખી રમત એક ઇમોશનલ રોલર કોસ્ટર જેવી હતી. હું મેદાન પર દોડી આવવા માટે ઉત્સુક હતો. મને આનંદ છે કે અમે કમબૅક કરીને જીત મેળવી.’
ઇન્જર્ડ કૅગિસો રબાડાનું ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં રમવાનું હજી અનિશ્ચિત છે.
કલકત્તાની જીત WTC ખિતાબ જેવી : સાઉથ આફ્રિકાનો કોચ શુક્રી કૉનરાડ
સાઉથ આફ્રિકાના હેડ કોચ શુક્રી કૉનરાડે કલકત્તા ટેસ્ટ-મૅચમાં વિજય બાદ પોતાના પ્લેયર્સની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે ‘અમે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મૅચ જીતી હતી. ભારત આવીને ઈડન ગાર્ડન્સમાં રમીને અમે કંઈક એવું કર્યું જે ૧૫ વર્ષમાં નહોતું થયું. આ ખિતાબ જીતવા બરાબર હતું.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે અમારી સ્થાનિક રમત માટે પણ આ જીત શાનદાર રહેશે, કારણ કે યુવાનો હવે જોઈ શકે છે કે અમે સ્પિનરોને પણ તક આપીએ છીએ. આ ફક્ત ઝડપી બોલિંગ કરતો દેશ નથી રહ્યો. છેલ્લા ૧૮થી ૨૪ મહિનાઓમાં કૅપ્ટન ટેમ્બા બવુમા વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક રહ્યો છે. મને આ ટીમ પર ખૂબ ગર્વ છે.’
ટેમ્બા બવુમાની કૅપ્ટન્સી અને સાઇમન હાર્મર જેવા સ્પિનરોની મદદથી સાઉથ આફ્રિકાએ ભારતને ૧૨૪ રનનો ટાર્ગેટ ચેઝ કરતાં અટકાવ્યું હતું.