06 December, 2025 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ
ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહ માને છે કે સાઉથ આફ્રિકા સામે ભારતની બોલિંગ લાઇનઅપમાં અનુભવના અભાવે પણ નુકસાન પહોંચ્યું છે. સારા બોલર્સને સાઇડલાઇન કરવા માટે તેણે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર પ્રહાર પણ કર્યા હતા.
રાયપુર વન-ડેમાં સાધારણ બોલિંગને કારણે મળેલી કારમી હાર વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મોહમ્મદ શમી ક્યાં છે? મને ખબર નથી કે શમી કેમ નથી રમી રહ્યો. તમારી પાસે સારા બોલરો હતા અને તમે ધીમે-ધીમે તેમને બાજુ પર મૂકી દીધા છે. પ્રસિદ્ધ ક્રિષ્ના સારો બોલર છે પરંતુ તેણે હજી ઘણું શીખવાનું છે.’
૩૫ વર્ષનો મોહમ્મદ શમી હાલમાં બંગાળ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે હમણાં સુધી પાંચ મૅચમાં ૯ વિકેટ ઝડપી છે. તેણે હાલમાં સર્વિસિસ ટીમ સામેની મૅચમાં ૧૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી જે તેની T20 કરીઅરના બેસ્ટ પ્રદર્શનમાંથી એક હતું.
ભજ્જીએ આગળ કહ્યું હતું કે ‘આપણે જસપ્રીત બુમરાહ વિના રમતો જીતવાની કળા શીખવી પડશે. બુમરાહ સાથેની અને તેની વિનાની બોલિંગ લાઇનઅપના પ્રદર્શનમાં મોટું અંતર જોવા મળે છે. ટૂંકા ફૉર્મેટમાં આપણે એવા લોકોને શોધવા પડશે જે તમને રમતો જિતાડી શકે પછી ભલે એ ઝડપી બોલિંગ હોય કે સ્પિન.’