ભારત સામે મેચ હાર્યા બાદ શ્રીલંકન કૅપ્ટન અને કૉચ વચ્ચે મેદાનમાં જ ઝઘડો, વીડિયો વાયરલ

21 July, 2021 05:46 PM IST  |  Colombo | Gujarati Mid-day Online Correspondent

બીજી વન-ડેમાં ભારતીય ટીમનો ત્રણ વિકેટે વિજય થયો છે

શ્રીલંકન ટીમનો કૅપ્ટન દસુન શનાકા (તસવીર સૌજન્યઃ એ.એફ.પી.)

શ્રીલંકામાં ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમે ત્રણ વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકન ટીમ જીતેલી મેચ હારી જતા ટીમના કૅપ્ટન દસુન શનાકા (Dasun Shanaka) અને કૉચ મિકી આર્ચર(Mickey Arthur) વચ્ચે મેદાનમાં જ બોલચાલ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાયરલ થયો છે.

બીજી વન-ડે મેચમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ ટીમ ઈન્ડિયા સામે ૨૭૬ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એક સમયે ટીમે ૧૯૩ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ દીપક ચહર અને ભુવનેશ્વર કુમારે અણનમ ૮૪ રનની ભાગીદારી કરી ટીમને વિજય અપાવ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ પણ ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦થી લીડ મેળવી છે.

બીજી મેચમાં દીપક ચાહરે અંતિમ ઓવરમાં ચોગ્ગો મારીને ભારતીય ટીમને જીતાડી દીધી હતી. મેચ દરમિયાન ભારતની જ્યારે જ્યારે વિકેટ પડતી હતી ત્યારે આર્થર ખુશ થઈ જતા હતા, પરંતુ જ્યારે દીપક ચાહર અને ભુવનેશ્વર કુમાર વચ્ચે આઠમી વિકેટ માટે પાર્ટનરશિપ જામી ગઈ ત્યારે તેમના હાવભાવ બદલાઈ ગયા હતા. મેચ જ્યારે અંતિમ ઓવરો સુધી પહોંચવા આવી હતી, ત્યાં સુધીમાં તો તે ગુસ્સામાં આવી ગયા હતા. શ્રીલંકન ટીમ જીતેલી મેચ હારી ગઈ હોવાથી મિકી આર્થર અને કૅપ્ટન શનાકા વચ્ચે બોલાચાલી થઈ હતી.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, મેચ પૂરી થયા પછી આર્થર ગ્રાઉન્ડમાં આવ્યો અને એણે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહેલા શનાકાને ઠપકો આપ્યો હતો. ત્યારપછી બોલાચાલી એટલી ઊગ્ર થઈ ગઈ કે શનાકાએ પણ આર્થરને કંઇક કીધુ. જે એને પસંદ ન આવતા તે ડ્રેસિંગ રૂમ તરફ જતો રહ્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન રસેલ આર્નોલ્ડે કહ્યું હતું કે, ‘આવી ઊગ્ર ચર્ચા ડ્રેસિંગ રૂમમાં થવી જોઇતી હતી. આમ જાહેરમાં બોલાચાલી કરવી તે ટીમની છબીને નુકસાન પહોંચાડી શકે છે’.

મેચ પૂરી થયા પછી દાસુન શનાકાએ કહ્યું કે, ‘અમે સમગ્ર મેચ દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી. ખાસ કરીને દિપક ચહરે અમારી જીત છીનવી લીધી હતી. મેચમાં અમારી શરૂઆત સારી રહી હતી. પરંતુ અમે મધ્ય ઓવરોમાં વિકેટ ગુમાવી દીધી હતી. અમે છેલ્લી મેચમાં વિકેટ સરળતાથી આપીશું નહીં. અમારે છેલ્લાપાવરપ્લે સુધી સારી બેટિંગ કરવી પડશે.’

તમને જણાવી દઈએ કે, બીજા વનડેમાં દીપક ચહર (૬૯*) અને ભુવનેશ્વર કુમારે (૧૯*) રન બનાવીને ભારતને ૮મી વિકેટ માટે ૧૪ ઓવરમાં ૮૪ રનની અણનમ ભાગીદારી આપી હતી. જેને લીધે ભારતીય ટીમ મેચ જીતી હતી.

sports sports news cricket news india sri lanka viral videos