ત્રીજી વન-ડેમાં લંકન સ્પિનરોએ બાજી મારી

24 July, 2021 02:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વરસાદને લીધે પડેલા બ્રેક બાદ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ભારતને ૨૨૫ રનમાં ઑલઆઉટ કરી શ્રીલંકાએ ૩ વિકેટથી જીતી મૅચ; ભારતે ૪૦ વર્ષ બાદ વન-ડેમાં ઉતાર્યા પાંચ નવા ખેલાડીઓ

ભારતે ૪૦ વર્ષ બાદ વન-ડેમાં ઉતાર્યા પાંચ નવા ખેલાડીઓ

અવિષ્કા ફર્નાન્ડો (૭૬) અને વનડાઉન બૅટ્સમૅન ભાનુકા રાજપક્ષે (૬૫) વચ્ચે થયેલી ૧૦૯ રનની પાર્ટનરશિપને કારણે શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. જોકે ભારત આ સિરીઝ ૨-૧થી જીતી ચૂક્યું છે.

ભારતના યુવા બૅટ્સમેનોના અનુભવના અભાવનો લાભ ઉઠાવતાં વરસાદના વિઘ્નવાળી મૅચમાં શ્રીલંકાના સ્પિનરોએ ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતને ૪૩.૧ ઓવરમાં માત્ર ૨૨૫ રનમાં જ ઑલઆઉટ કર્યું હતું. સિરીઝ જીતી લીધી હોવાથી કોચ રાહુલ દ્રવિડે બોલિંગ લાઇન-અપ અને બૅટિંગ-ઑર્ડરમાં ફેરફાર કર્યા હતા, પરંતુ અનુભવનો અભાવ સ્પષ્ટપણે દેખાયો હતો.

૨૩મી ઓવરમાં વરસાદને કારણે થોડો સમય મૅચ અટકાવવાની ફરજ પડી હતી અને ઓવર્સ ઘટાડીને ૪૭ કરવામાં આવી હતી. વરસાદને કારણે બૉલ પિચ પર સરકતો હોવાથી એનો લાભ સ્પિનરોએ ઉઠાવ્યો હતો અને ભારતના મિડલ ઑર્ડરને પરેશાન કર્યો હતો. સ્પિનર પ્રવીણ જયવિક્રમાએ (૧૦ ઓવરમાં ૫૯ રન આપીને ૩ વિકેટ) અને અકિલા ધનંજયાએ (૧૦ ઓવરમાં ૪૪ રન આપીને ૩ વિકેટ) લોઅર મિડલ ઑર્ડરને ટર્ન અને બાઉન્સ વડે પરેશાન કર્યા હતા.

જોકે એ પહેલાં પૃથ્વી શૉ (૪૯ બૉલમાં ૪૯ રન) અને સંજુ સૅમસન (૪૬ બૉલમાં ૪૬ રન)એ ૧૩.૨ ઓવરમાં ૭૪ રનની પાર્ટનરશિપ કરી હતી. દાસુન શનાકાએ પૃથ્વી અને મનીષ પાંડેને આઉટ કરીને પરિસ્થિતિ બદલી નાખી હતી. વરસાદ પડ્યો ત્યારે ભારતે ૧૪૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ સ્પિનરોએ આવીને સમગ્ર ચિત્ર બદલી નાખ્યું હતું.

 

ભારતે ૪૦ વર્ષ બાદ વન-ડેમાં ઉતાર્યા પાંચ નવા ખેલાડીઓ

ભારતે ગઈ કાલે ૪૦ વર્ષ બાદ પહેલી વખત વન-ડેમાં પાંચ નવા ખેલાડીઓને તક આપી હતી. શ્રીલંકા સામે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં સંજુ સૅમસન, નીતીશ રાણા, ચેતન સાકરિયા, ક્રિષ્ણપ્પા ગૌતમ અને રાહુલ ચાહર પહેલી વન-ડે રમ્યા છે. ભારત સિરીઝ જીતી ચૂક્યું હોવાથી કોચ રાહુલ દ્રવિડે છેલ્લી મૅચમાં પ્રયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસન અને લેગ સ્પિનર રાહલુ ચાહર ટી૨૦માં ભારત તરફથી રમ્યો છે. બૅટ્સમૅન રાણા, સ્પિન બોલર-કમ-ઑલરાઉન્ડર ગૌતમ અને ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની આ પહેલી મૅચ હશે. આ અગાઉ ૧૯૮૦ના ડિસેમ્બરમાં ભારત મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં કીર્તિ આઝાદ, સંદીપ પાટીલ, રૉજર બિન્ની, દિલીપ દોશી અને ટી. શ્રીનિવાસનને તક આપી હતી. 

sports sports news cricket news india sri lanka