ફૉલોઑન મળ્યા બાદ કૅરિબિયનોએ બતાવ્યો ફાઇટિંગ સ્પિરિટ

13 October, 2025 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલા દાવમાં ૨૪૮ રન કર્યા બાદ ફૉલોઆૅન લાગુ થતાં વેસ્ટ ઇન્ડીઝે બીજા દાવમાં કર્યા બે વિકેટે ૧૭૩: ઇનિંગ્સની હાર ટાળવા માટે મહેમાન ટીમને ૯૭ રનની જરૂર, ભારતે એ પહેલાં બાકીની વિકેટ લેવી પડશે

કુલદીપ યાદવે પહેલી ઇનિંગ્સમાં ૮૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી

દિલ્હી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ગજબની ફાઇટિંગ સ્પિરિટ બતાવી હતી.  ૫૧૮/૫નો સ્કોર કરનાર ભારત સામે મહેમાન ટીમ પહેલી ઇનિંગ્સમાં ૮૧.૫ ઓવરમાં ૨૪૮ રનમાં ઑલઆઉટ થઈ હતી. ૨૭૦ રનની લીડ હાથમાં હોવાથી ભારતે ફૉલોઑન લાગુ કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસના અંતે ૪૯ ઓવરમાં બે વિકેટે ૧૭૩ રન કરીને રમતને ચોથા દિવસ પર પહોંચાડી દીધી હતી. ઇનિંગ-હાર ટાળવા માટે કૅરિબિયન ટીમને વધુ ૯૭ રનની જરૂર છે. શુભમન ગિલ ઍન્ડ કંપની એ પહેલાં બાકીની આઠ વિકેટ લઈને ઝડપથી મૅચ પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખશે.

ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ૪૪મી ઓવરમાં ૧૪૦/૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. એલિક અથાનેઝના ૪૧ રન અને શાઈ હોપની ૩૬ રનની ઇનિંગ્સ વેસ્ટ ઇન્ડીઝના પહેલા દાવના ૨૪૮ રનના સ્કોરનો મુખ્ય આધાર રહી હતી. પૂંછડિયા બૅટર ખેરી પીઅરે ૨૩ રન અને એન્ડરસન ફિલિપે ૨૪ રન કરીને નવમી વિકેટ માટે ૪૬ રન ઉમેર્યા, પરંતુ એ મુલાકાતી ટીમ માટે ફૉલોઑન ટાળવા માટે પૂરતા નહોતા.

કુલદીપ યાદવે ૮૨ રન આપીને પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં કુલદીપ યાદવને ચાર વિકેટ મળી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે પણ એક-એક સફળતા મેળવી હતી. બીજા દિવસે તરખાટ મચાવનાર અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ પોતાની ૧૯ ઓવરની સ્પેલમાં ૪૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

૨૭૦ રન વિશાળ લીડ અને કૅરિબિયન ટીમના ખરાબ બૅટિંગ-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પ્રવાસી ટીમને ફૉલોઑન આપવામાં આવ્યું હતું. ભારતીય બોલરો પાસેથી વિન્ડીઝ લાઇનઅપને સરળતાથી તોડી નાખવાની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ બીજા દાવમાં ૩૫ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝે દિવસના અંત સુધી સારું પ્રદર્શન જાળવી રાખ્યું હતું.

ઓપનર જોન કૅમ્પબેલે નવ ફોર અને બે સિક્સરની મદદથી ૧૪૫ બૉલમાં ૮૭ રનની પોતાની બેસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સ રમી હતી. અનુભવી બૅટર શાઈ હોપ ૮ ફોર અને બે સિક્સરના આધારે ૧૦૩ બૉલમાં ૬૬ રન ફટકારીને આજે પણ પિચ પર ઓપનર જોન કૅમ્પબેલને સાથ આપતો જોવા મળશે. ત્રીજી વિકેટ માટે ૨૦૮ બૉલમાં ૧૩૮ રનની તેમની ભાગીદારી એ આ વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ ટીમની પહેલી શતકીય પાર્ટનરશિપ બની છે. બીજા દાવમાં સ્પિનર વૉશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને સફળતા મળી હતી.

સુદર્શન મેદાનની બહાર કેમ રહ્યો?

દિલ્હી ટેસ્ટ-મૅચના બીજા દિવસની રમતમાં સાઈ સુદર્શને ફૉર્વર્ડ શૉર્ટ લેગની પોઝિશન પર એક વિચિત્ર કૅચ પકડ્યો હતો. મહેમાન ટીમના બૅટર જૉન કેમ્પબેલના સ્લૉગ સ્વીપને કૅચ કરવાનો પ્રયાસ કરતી વખતે તે ઇન્જર્ડ થયો હતો. બૉલ તેની હેલ્મેટની ગ્રિલ સાથે અથડાયો હતો અને બૉલ તેના હાથમાં ગયો હતો. હાથમાં બૉલ વાગતાં તેને મેદાન પર ફિઝિયોની પણ જરૂર પડી હતી. ઇન્જરીને ધ્યાનમાં રાખીને તે ત્રીજા દિવસની રમતમાં ફીલ્ડિંગ કરવા ઊતર્યો નહોતો. ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ઇન્જરીની અપડેટ આપતાં કહ્યું હતું કે ‘ઇન્જરી ગંભીર નથી અને તે ઠીક છે.’

અમારા બોલરોને આટલી ખરાબ રીતે ન મારો : બ્રાયન લારા

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝના લેજન્ડ બૅટર બ્રાયન લારાનો ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ સાથેનો એક વિડિયો શૅર કર્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ-મૅચ જોવા આવેલા બ્રાયન લારાએ યશસ્વી જાયસવાલ સાથે બાઉન્ડરીલાઇન પર મુલાકાત કરી હતી. તેણે યંગ ઓપનરને કહ્યું હતું કે ‘અમારા બોલરોને આટલી ખરાબ રીતે ન મારો.’

યશસ્વીએ જવાબ આપ્યો કે ‘હું તો માત્ર પ્રયાસ જ કરું છું.’

યશસ્વીની તાબડતોડ ૧૭૫ રનની ઇનિંગ્સના આધારે ભારતે કૅરિબિયન ટીમ સામે પહેલા દાવમાં પાંચ વિકેટે ૫૧૮ રન ફટકાર્યા હતા. બીજી ટેસ્ટ-મૅચમાં પણ વેસ્ટ ઇન્ડીઝના બોલરો ભારતના ધુરંધર બૅટર્સ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

india indian cricket team west indies test cricket cricket news sports sports news