હવે ભારત-વેસ્ટ ઇન્ડીઝની છેલ્લી બે ટી૨૦ અમેરિકામાં

04 August, 2022 02:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માયર્સના ૭૩ રન પાણીમાં, ભારત જીત્યું : રોહિત શર્માને ઈજા

રોહિત શર્મા

વેસ્ટ ઇન્ડીઝ સામે મંગળવારે ભારતની ટી૨૦ સિરીઝની ત્રીજી વન-ડે રમાઈ હતી જેમાં ભારતે ૭ વિકેટે વિજય મેળવીને પાંચ મૅચની શ્રેણીમાં ૨-૧થી સરસાઈ લીધી હતી. હવે ચોથી અને પાંચમી ટી૨૦ અમેરિકામાં ફ્લોરિડાના લૉડરહિલમાં રમાશે. ચોથો મુકાબલો શનિવારે રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

મંગળવારની ત્રીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા, જેમાં ઓપનર કાઇલ માયર્સ (૭૩ રન, ૫૦ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)નો સૌથી મોટો ફાળો હતો. બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. ભુવનેશ્વરે બે તેમ જ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ લીધી હતી. અશ્વિન, હૂડા અને અવેશ ખાનને વિકેટ નહોતી મળી.

ભારતે ૧૯ ઓવરમાં ૩ વિકેટે ૧૬૫ રન બનાવી લીધા હતા જેમાં સૂર્યકુમાર યાદવ (૭૬ રન, ૪૪ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેનો સાથી ઓપનર અને કૅપ્ટન રોહિત શર્મા ઈજાને કારણે ૧૧ રને રિટાયર હર્ટ થયો હતો. તેને પીઠમાં દુખાવો શરૂ થયો હતો. જોકે હવે સિરીઝની ચોથી મૅચ છેક શનિવારે હોવાથી તે ઈજામુક્ત થશે એવી તેને ખાતરી છે.

મંગળવારની મૅચમાં રોહિત પૅવિલિયનમાં પાછો ગયો ત્યાર પછી સૂર્યા અને શ્રેયસ ઐયર (૨૪ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી થઈ હતી. હાર્દિક પંડ્યા ફક્ત ૪ રન બનાવી શક્યો હતો, પરંતુ વિકેટકીપર રિષભ પંત ૩૩ રને અને દીપક હૂડા ૧૦ રને અણનમ હતા. જેસન હોલ્ડર, ડૉમિનિક ડ્રેક્સ અને અકીલ હોસેઇનને એક-એક વિકેટ મળી હતી.

4
ફ્લોરિડામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત આટલી ટી૨૦ રમ્યું છે જેમાંથી બે જીત્યું છે, એક મૅચ અનિર્ણીત રહી છે અને એકમાં ભારતનો પરાજય થયો હતો.

sports news sports t20 international cricket news indian cricket team west indies united states of america rohit sharma