કૅરિબિયનોની જબરી લડત, ક્લીન સ્વીપ કરવા ભારતે આજે પાંચમા દિવસે મેદાનમાં ઊતરવું પડશે

14 October, 2025 08:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બે સેન્ચુરિયનોની કમાલ બાદ છેલ્લી જોડીએ ૧૩૩ બૉલ રમી ટીમ ઇ‌ન્ડિયાને બરાબરની હંફાવી : ૧૨૧ રનના ટાર્ગેટ સામે ઓપનર જાયસવાલને ગુમાવી ૧૮ ઓવરમાં બનાવ્યા ૬૩ રન, ૨-૦થી સિરીઝ જીતવા માટે હજી ૫૮ રનની જરૂર

સેન્ચુરિયનો કૅમ્પબેલ અને હોપે ત્રીજી વિકેટ માટે ૧૭૭ રનની જબરદસ્ત ભાગીદારી કરીને વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સની હારની નામોશીથી બચાવ્યું હતું.

દિલ્હી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે પણ વેસ્ટ ઇન્ડીઝે વળતી લડત જાળવી રાખીને છેલ્લા સેશન સુધી બૅટિંગ કરીને ટીમ ઇન્ડિયાના ધુરંધરોને બરાબરના હંફાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૮ પર ઑલઆઉટ થઈને ફૉલોઑન થયા બાદ કૅરિબિયનોએ સિરીઝમાં આખરે જુસ્સો બતાવ્યો હતો અને ઓપનર જોન કૅમ્પબેલની ૧૯૯ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૧૫ રન અને શાઈ હૉપની ૨૧૪ બૉલમાં બે સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૦૩ રન સાથે સેન્ચુરિયન લડતના જોરે એક ઇનિંગ્સથી હારની નામોશી ટાળી હતી અને છેલ્લી વિકેટ માટે જસ્ટિન ગ્રીવ્સ (૮૫ બૉલમાં અણનમ ૫૦ રન) અને જેડન સીલ્સ (૬૭ બૉલમાં ૩૨ રન) વચ્ચે ૧૩૩ બૉલમાં ૭૯ રનની પાર્ટનરશિપે ટીમ ઇન્ડિયા સામે જીત માટે ૧૨૧ રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ૧૬ ઓવરની રમતમાં ઓપનર યશસ્વી જાયસવાલને ૮ રન બનાવી ગુમાવી ભારતે એક વિકેટે ૬૩ રન બનાવ્યા હતા. ઓપનર કે. એલ રાહુલ પચીસ અને વન-ડાઉન બૅટર સાઈ સુદર્શન ૩૦ રન બનાવી અણનમ રહ્યા હતા. 
બોલરો થાકેલા હોવા છતાં મૅચને ૩ કે વધુમાં વધુ સાડાત્રણ દિવસમાં પૂરી કરી ઑસ્ટ્રેલિયન સિરીઝ પહેલાં થોડોક આરામ કરી લેવાના ઇરાદા સાથે ફૉલોઑન આપવાનો વધુપડતો ઉત્સાહી નિર્ણય લેનાર ગિલ-ગંભીર કંપનીએ આજે પાંચમા દિવસે મેદાનમાં ઊતરવું પડશે. મૅચમાં ભારતની જીત અને સિરીઝમાં ક્લીન સ્વીપ પાકી હોવા છતાં કૅરિબિયનોએ ફાઇટિંગ સ્પિરિટ સાથે ચાહકોની વાહ‌વાહ‌ મેળવી હતી.  

૫૧ વર્ષ બાદ કારનામું

૮૭ રનથી આગળ રમતાં ઓપનર કૅમ્પબેલે ૧૯૯ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૧૫ રન સાથે તેની પચીસમી ટેસ્ટ-મૅચમાં કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. ત્યાર બાદ શાઈ હોપે ૬૬ રનથી આગળ વધી ૨૧૪ બૉલમાં બે સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૦૩ રનની ઇનિંગ્સ રમીને ટેસ્ટમાં ટેસ્ટ-કરીઅરની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી. હોપે તેની આ ત્રીજી સેન્ચુરી માટે આઠ વર્ષની રાહ જોવી પડી હતી. આમ આ સાથે વેસ્ટ ઇન્ડીઝે ભારતમાં બીજી ઇનિંગ્સમાં ૫૧ વર્ષ બાદ બે બૅટરોએ સેન્ચુરીની કમાલ કરી હતી. છેલ્લે આવી કમાલ ૧૯૭૪માં બૅન્ગલોર ટેસ્ટમાં જોવા મળી હતી, ત્યારે બીજી ઇનિંગ્સમાં ગૉર્ડન ગ્રિનિચ (૧૦૭ રન) અને ક્લાઇવ લૉઇડ (૧૬૩ રન)એ સેન્ચુરીની કમાલ કરી હતી.

કૅમ્પબેલ અને હોપે ત્રીજી વિકેટ માટે ૨૯૫ બૉલમાં ૧૭૭ રનની પાર્ટનરશિપે કૅરિબિયન ફાઇટ-બૅકનો પાયો નાખ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે ૧૪ વર્ષ બાદ એટલે કે ૨૦૧૧ બાદ ટેસ્ટમાં ભારતીય ધરતી પર ૧૫૦+ની પાર્ટનશિપ નોંધાવી હતી.

નવા બૉલ બાદ ધબડકો

વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગ્સમાં ૮૦ ઓવરમાં ૩ વિકેટે ૨૫૯ રન સાથે બરાબરની લડત આપી હતી, પણ ત્યાર બાદ ભારતે નિયમ પ્રમાણે નવો બૉલ લીધો હતો અને મૅચનો ટર્ન આવ્યો હતો. ૮૪મી ઓવરમાં હોપની વિકેટ બાદ ૧૩ ઓવરમાં માત્ર ૪૦ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. એમાં ૪૪ રનમાં ૩ વિકેટ સાથે જસપ્રીત બુમરાહનો મુખ્ય ફાળો હતો. છેલ્લી વિકેટ માટે સીલ્સ અને ગ્રીવ્સે ૧૩૩ બૉલ સુધી લડત ન આપી હોત તો ગઈ કાલે જ મૅચ પૂરી થઈ ગઈ હોત.

બીજી ઇનિંગ્સમાં બુમરાહ ઉપરાંત પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટની કમાલ કરનાર કુલદીપ યાદવે ૩, મોહમદ સિરાજે બે તેમ જ રવીન્દ્ર જાડેજા અને વૉશિગ્ટન સુંદરે એક-એક વિકેટ લીધી હતી.

જોન કૅમ્પબેલની પહેલી ટેસ્ટ-સદી બની ઐતિહાસિક

કૅમ્પબેલ ભારત સામે ૧૯ વર્ષ બાદ ટેસ્ટ-સદી ફટકારનાર વેસ્ટ ઇન્ડીઝનો ઓપનર બન્યો. છેલ્લે ૨૦૦૬માં ડેરેન ગંગાએ ફટકારી હતી. 
ભારતની ધરતી પર ૨૩ વર્ષ બાદ ટેસ્ટ-સદી ફટકારનાર કૅરિબિયન ઓપનર બન્યો. છેલ્લે ૨૦૦૨માં વેવેલ હિન્ડ્સે ફટકારી હતી. 

કુલદીપ યાદવની પહેલી સેન્ચુરી

પહેલી ઇનિંગ્સમાં ૫૮ રનમાં પાંચ વિકેટ સાથે છવાઈ ગયેલા કુલદીપ યાદવને બીજી ઇનિંગ્સમાં કૅરિબિયન બૅટરોએ બરાબરનો ટાર્ગેટ બનાવ્યો હતો. બીજી ઇનિંગ્સમાં કુલદીપે ૨૯ ઓવરમાં ૩ મેઇડન સાથે ૧૦૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. કુલદીપે તેની કરીઅરમાં પહેલી વાર એક ઇનિંગ્સમાં ૧૦૦થી વધુ રન આપ્યા હતા. 

58

શાઈ હોપ પોતાની બે ટેસ્ટ-સદી વચ્ચે આટલી હાઇએસ્ટ ટેસ્ટ મૅચ રમ્યો હતો.

indian cricket team team india west indies arun jaitley stadium test cricket cricket news sports sports news