30 June, 2025 06:57 AM IST | London | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
ગઈ કાલે નૉટિંગહૅમના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં યજમાન ઇંગ્લૅન્ડની મહિલા ટીમને ૯૭ રનની તેમની સૌથી મોટી T20 હાર આપીને ભારતે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની ૧૧૨ રનની રેકૉર્ડ ઇનિંગ્સના આધારે ભારતે પાંચ વિકેટ ગુમાવીને ૨૧૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઇંગ્લૅન્ડ ૧૪.૫ ઓવરમાં ૧૧૩ રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારત માટે કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૬૨ બૉલમાં ૧૧૨ રન)એ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. ૧૫ ફોર અને ૩ સિક્સ ફટકારનાર સ્મૃતિએ ઓપનર શફાલી વર્મા (બાવીસ બૉલમાં ૨૦ રન) સાથે પહેલી વિકેટની ૭૭ રન અને હરલીન દેઓલ (૨૩ બૉલમાં ૪૩ રન) સાથે બીજી વિકેટની ૯૪ રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર રિચા ઘોષે (૬ બૉલમાં ૧૨ રન) પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
૧૦ ફોર ફટકારનાર ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ (૪૨ બૉલમાં ૬૬ રન) સિવાય માત્ર બે બૅટર ડબલ ડિજિટમાં રન કરી શકી હતી. ભારત માટે T20 ડેબ્યુ કરનાર સ્પિનર શ્રી ચરણી (૧૨ રનમાં ચાર વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. અન્ય બે અનુભવી સ્પિનર દીપ્તિ શર્મા (૩૨ રનમાં બે વિકેટ) અને રાધા યાદવે (૧૫ રનમાં બે વિકેટ) પણ શાનદાર બોલિંગ કરી હતી
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે હાઇએસ્ટ સ્કોર હવે સ્મૃતિ માન્ધનાનો
T20 ફૉર્મેટમાં પહેલી વાર સદી ફટકારીને સ્મૃતિએ ઘણા મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે. તેની ૧૧૨ રનની ઇનિંગ્સ એ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટેની સૌથી મોટી ઇનિંગ્સ હતી. આ પહેલાં હરમનપ્રીત કૌરે વર્ષ ૨૦૧૮માં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૦૩ રનની ઇનિંગ્સ રમી હતી. એક T20 ઇનિંગ્સમાં ભારત તરફથી હાઇએસ્ટ ૭૮ રન બાઉન્ડરીથી બનાવીને તેણે હરમનપ્રીત કૌરનો ૭૬ રનનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. વન-ડેમાં અગિયાર, ટેસ્ટમાં બે અને હવે T20માં એક સદી સાથે તે ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનારી પહેલી ભારતીય અને ઓવરઑલ પાંચમી મહિલા-પ્લેયર બની છે.
ઇંગ્લૅન્ડ-ટૂરની શરૂઆતમાં જ ભારતીય કૅપ્ટન થઈ ઇન્જર્ડ
ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝની પહેલી મૅચમાં રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત કૌરને બદલે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના ટૉસ માટે મેદાન પર પહોંચી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડની જાહેરાત અનુસાર પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન હરમનપ્રીતને માથામાં ઇન્જરી થઈ હતી જેના કારણે સાવચેતીના ભાગરૂપે તેને પહેલી મૅચ માટે આરામ આપવામાં આવ્યો છે. મેડિકલ-ટીમ તેનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.