31 December, 2025 11:32 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીલંકા સામેની પાંચ મૅચની T20 સિરીઝ ૫-૦થી જીતી ગયા બાદ સેલિબ્રેશન કરી રહેલી ભારતીય મહિલા ટીમ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા ગઈ કાલે વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટટેકર બની ગઈ હતી. ગઈ કાલની મૅચ પહેલાં દીપ્તિ અને ઑસ્ટ્રેલિયન બોલર મેગન શટની એકસરખી ૧૫૧ વિકેટ હતી. ગઈ કાલે શ્રીલંકન મહિલાઓ સામેની સિરીઝની પાંચમી મૅચમાં દીપ્તિએ એક વિકેટ લઈને નવો રેકૉર્ડ બનાવ્યો હતો.
ગઈ કાલે T20 સિરીઝની પાંચમી અને છેલ્લી મૅચમાં પણ શ્રીલંકાને હરાવીને ભારતે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. ભારતે ગઈ કાલે પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૫ રન કર્યા હતા.
ગઈ કાલે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને રેસ્ટ આપવામાં આવ્યો હતો. ઉપરાઉપરી ત્રણ હાફ સેન્ચુરી મારનારી શફાલી વર્મા ગઈ કાલે માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ હતી. હરમનપ્રીત કૌરે ૪૩ બૉલમાં ૬૮ રન કરીને મુખ્ય યોગદાન નોંધાવ્યું હતું. છેલ્લે અમનજોત કૌર (૧૮ બૉલમાં ૨૧) અને અરુંધતી રેડ્ડી (૧૧ બૉલમાં ૨૭)એ સ્કોરને ૧૭૫ સુધી પહોંચાડ્યો હતો. બાકીની તમામ બૅટર ફ્લૉપ રહી હતી.
શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૦ રન કર્યા હતા અને ૧૫ રનથી મૅચ ગુમાવી હતી. ભારતની તમામ ૬ બોલરો (દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સ્નેહ રાણા, વૈષ્ણવી શર્મા, શ્રી ચારણી, અમનજોત કૌર)એ એક-એક વિકેટ લીધી હતી. એક શ્રીલંકન પ્લેયર રનઆઉટ થઈ હતી.
દીપ્તિ શર્માએ એક વિકેટ લેતાંની સાથે જ તે વિમેન્સ ક્રિકેટમાં ૧૫૨ વિકેટ સાથે હાઇએસ્ટ વિકેટટેકર બોલર બની ગઈ હતી
શફાલી વર્માએ પાંચ મૅચની સિરીઝમાં ૨૪૧ રન કરીને આ ખિતાબ જીત્યો હતો.