T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય મહિલા ટીમનું ફાઇનલ ડ્રેસ-રિહર્સલ આજથી

28 May, 2026 02:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યજમાન ઇંગ્લેન્ડ સામે ત્રણ T20 મૅચની સિરીઝની આજે પ્રથમ ટક્કર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

૧૨ જૂનથી શરૂ થનારા વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં ફાઇનલ ડ્રેસ-રિહર્સલ સમાન ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની આજથી શરૂઆત થઈ રહી છે. ત્રણ T20 મૅચની સિરીઝની આજે (રાત્રે ૧૧ વાગ્યે) પ્રથમ મૅચ રમાશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની સિરીઝની હાર બાદ ટીમ-કૉમ્બિનેશનને યોગ્ય કરવાના અને જીતના લયને પાછો મેળવવાના ઇરાદા સાથે જ મેદાનમાં ઊતરશે. T20 વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓ ઉતાર-ચડાવવાળી રહી છે. ડિસેમ્બરમાં ઘરઆંગણે શ્રીલંકા સામે ૫-૦થી ક્લીન સ્વીપ કરીને ભારતે શાનદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં ૨-૧થી T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જે છેલ્લા એક દાયકામાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ જીત હતી. જોકે ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટૂરમાં ભારતીય ટીમ ફસડાઈ પડી હતી અને ૧-૪થી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝે મેગા ટુર્નામેન્ટ પહેલાં ભારતીય ટીમની ઘણી નબળાઈઓ છતી કરી દીધી હતી. બૅટિંગમાં સાતત્યનો અભાવ જોવા મળ્યો હતો, મિડલ ઑર્ડર મૅચો ફિનિશ કરવામાં સંઘર્ષ કરતો રહ્યો અને કટોકટીની પળોમાં બોલિંગ-આક્રમણ પણ નિયમિત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું. આથી ૧૪ જૂને પાકિસ્તાન સામેની તેમની પ્રથમ ટક્કર પહેલાં ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝ ભારતને આ તમામ બાબતો પર કામ કરવાની ઉત્તમ તક છે. ઉપરાંત ભારતીય ટીમ ગયા વર્ષના ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ આત્મવિશ્વાસ મેળવશે, જ્યાં તેમણે યજમાન ટીમ સામે ૩-૨થી જીત મેળવીને ઇંગ્લિશ ધરતી પર પોતાની સૌપ્રથમ દ્વિપક્ષીય T20 સિરીઝ જીત નોંધાવી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ ન્યુ ઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને આ સિરીઝમાં આવી રહી છે, પરંતુ તેમને રેગ્યુલર કૅપ્ટન નૅટ સીવર-બ્રન્ટની ખોટ સાલશે. જોકે સ્ટાર બૅટર ડૅની વ્યાટ-હૉઝ તેના પ્રથમ બાળકના જન્મ બાદ ટીમમાં પરત ફરતાં યજમાન ટીમને મોટો બૂસ્ટ મળ્યો છે.

indian womens cricket team t20 world cup sports news sports cricket news england