19 October, 2026 04:20 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માએ ૪૮ બૉલમાં ૯૬ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
ગઈ કાલે રાયપુરમાં ઝિમ્બાબ્વે સામે બીજી T20 મૅચ ૯ વિકેટે જીતીને ભારતીય મહિલા ટીમે ૩ મૅચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો હતો. ઝિમ્બાબ્વેએ ધીમી બૅટિંગ સાથે ૧૦૨-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૮.૫ ઓવરમાં ૧૦૪-૧નો સ્કોર કરીને ૧૦૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. રેગ્યુલર કૅપ્ટન તરીકે સ્મૃતિ માન્ધનાએ પહેલી જ સિરીઝ જીતી લીધી છે.
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરવાના મામલે બાકી બૉલના હિસાબે સૌથી વધુ ૬૭ બૉલની જીત ભારતે નોંધાવી હતી. અગાઉ આ વર્ષે ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડીઝે ૬૫ બૉલ પહેલાં ૧૦૭ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વિમેન્સ ટીમ ઇન્ડિયાએ એક વર્ષમાં પોતાની સર્વોચ્ચ ૧૭ T20 મૅચ જીતી છે. ૨૦૨૬માં ભારતની આ ટીમ ૨૬ T20 મૅચ રમી છે. અગાઉ ભારતે ૨૦૧૮માં ૨૩ T20 મૅચમાંથી ૧૬ મૅચ જીતી હતી.
રન-ચેઝ દરમ્યાન ભારતે ૪૮ બૉલમાં ૯૬ રનની ઓપનિંગ ભાગીદારી સાથે જીત સુનિશ્ચિત કરી હતી. શફાલી વર્માએ ૨૫ બૉલમાં ૬ ફોર, ૪ સિક્સની મદદથી પંચાવન રન કર્યા હતા. કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૬ ફોર, બે સિક્સના સહારે પચીસ બૉલમાં અણનમ ૪૭ રન કર્યા હતા.
9
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલના એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ આટલી વખત ફિફ્ટી પ્લસની ભાગીદારી કરનારી જોડી બની સ્મૃતિ-શફાલીની.
1082
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલના એક કૅલેન્ડર યરમાં એક હજાર રન કરનાર પહેલી જોડી બની સ્મૃતિ માન્ધના અને શફાલી વર્માની.
T20 ઇન્ટરનૅશનલના પહેલવહેલા બે બૉલ પર વિકેટ લેનાર પહેલી ભારતીય ક્રિકેટર બની નિકી પ્રસાદ
અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન નિકી પ્રસાદે ગઈ કાલે પોતાની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં પહેલી વખત બોલિંગ કરીને મોટા રેકૉર્ડ બનાવ્યા હતા. T20 ઇન્ટરનૅશનલ કરીઅરના પહેલા બે બૉલ પર બૅક-ટુ-બૅક વિકેટ લીધી હતી. અગાઉ ૨૦૦૫માં પહેલવહેલી મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાના માઇકલ કૅસ્પ્રોવિચે, ૨૦૧૯માં અમેરિકાની બોલર અક્ષતા રાવે આ કમાલ કરી હતી.