29 April, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમન્સ ટીમ
સાઉથ આફ્રિકાએ ન્યુટ્રલ વેન્યુ પર પાંચ વન-ડે મૅચમાંથી ત્રણ મૅચમાં ભારત સામે બાજી મારી છે. રવિવારે શ્રીલંકા સામે એકતરફી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કર્યા પછી ભારતીય વિમન્સ ટીમ આજે સાઉથ આફ્રિકા સામેની બીજી મૅચમાં પોતાની જીતની લય ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. ત્રિકોણીય સિરીઝની પહેલી જ મૅચમાં ભારતીય ટીમે બટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય વિભાગમાં પોતાનું વર્ચસ જાળવી રાખ્યું હતું.
બન્ને ટીમ વચ્ચે વન-ડે ફૉર્મેટમાં ૩૧ મૅચ રમાઈ છે જેમાંથી ભારતે સૌથી વધુ ૧૮ જીત અને સાઉથ આફ્રિકાએ ૧૨ જીત મેળવી છે. જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. માર્ચ ૨૦૨૨ બાદ ભારત આ ફૉર્મેટમાં સાઉથ આફ્રિકા સામે હાર્યું નથી. જાન્યુઆરી ૨૦૨૪માં બૅન્ગલોરમાં રમાયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ભારતે ત્રણેય મૅચ જીતી હતી.
બન્ને ટીમ વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર પાંચ વન-ડે મૅચ રમાઈ છે જેમાં શ્રીલંકાના કોલંબોમાં અને ન્યુ ઝીલૅન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં બે-બે મૅચ રમાઈ છે. ભારતીય મહિલાઓએ કોલંબોમાં અને સાઉથ આફ્રિકાએ ક્રાઇસ્ટ ચર્ચમાં બન્ને મૅચમાં બાજી મારી હતી. ઇંગ્લૅન્ડમાં રમાયેલી એક વન-ડેમાં સાઉથ આફ્રિકાએ બાજી મારી હતી.